ફિલ્મફેર એવોર્ડ્સ પર પ્રતિબંધ મૂકવાની વિવેક અગ્નિહોત્રીની માગણી

મુંબઈઃ વ્યાપકપણે લોકપ્રિય થયેલી હિન્દી ફિલ્મ ‘ધ કશ્મીર ફાઈલ્સ’ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ દાયકાઓ જૂના ‘ફિલ્મફેર’ એવોર્ડ્સ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. ટ્વિટરના માધ્યમથી એમણે ‘ફિલ્મફેર એવોર્ડ્સ’ અને તેના સમારોહને ભ્રષ્ટ, અનૈતિક, ચાપલૂસી કરતા લોકોના એવોર્ડ્સ તરીકે ઓળખાવી આકરી ટીકા કરી છે.

નવાઈની વાત એ છે કે આ વર્ષના ફિલ્મફેર એવોર્ડ્સ માટે ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને સાત કેટેગરીમાં નામાંકન મળ્યું હોવા છતાં અગ્નિહોત્રીએ આ એવોર્ડ્સ પ્રતિ જાહેરમાં પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. એમણે આ એવોર્ડ્સને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે.

અગ્નિહોત્રીએ સોશિયલ મિડિયા પર એક લાંબી નોંધ લખીને પોતાની લાગણી વ્યક્ત કરી છે. એમણે કહ્યું છે કે તેઓ એવી શોષણખોર અને ભ્રષ્ટ વ્યવસ્થા કે પુરસ્કારોનો હિસ્સો બનવા ઈચ્છતા નથી જે લેખકો, દિગ્દર્શકો અને ફિલ્મને નીચા સ્તરના કે ગુલામ ગણે છે. આ અપમાનજનક વ્યવસ્થાનો અંત આવવો જોઈએ. ‘મને મિડિયા તરફથી માલૂમ પડ્યું છે કે ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મને 68મા ફિલ્મફેર એવોર્ડ્સ માટે 7 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. પરંતુ હું નમ્રતાપૂર્વક આ અનૈતિક અને સિનેમા-વિરોધી એવોર્ડ્સનો હિસ્સો બનવાની ના પાડું છું. જાણો કેમઃ ફિલ્મફેરના મતે સિતારાઓ સિવાય બીજા કોઈના કોઈ ચહેરા જ નથી.’