ઈન્દોર: આ શહેરના બજરંગ નગરમાં રહેતી 25 વર્ષીય ટીવી એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાએ ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. મૃત્યુ પહેલાં પ્રેક્ષાએ વોટ્સએપ સ્ટેટ્સ તથા ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું હતું, ‘સબસે બુરા હોતા હૈ સપનોં કા મર જાના…’ સવારે એક્ટ્રેસની માતાએ દીકરીને રૂમમાં મૃત અવસ્થામાં લટકતી જોઈ હતી. પરિવારના મતે, પ્રેક્ષા એની કારકિર્દીને કારણે ઘણી માનસિક તાણમાં હતી. તેની રૂમમાંથી સુસાઈડ નોટ પણ મળી છે, જેમાં કરિયરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.ઈન્દોરની હીરાનગર પોલીસના મતે, પ્રેક્ષાના પિતા રવિન્દ્ર મહેતાનો બજરંગ નગરમાં જનરલ સ્ટોર છે. પ્રેક્ષા મુંબઈમાં રહીને ટીવી સિરિયલોમાં કામ કરતી હતી. લૉકડાઉન પહેલાં તે ઈન્દોર પોતાના ઘરે આવી હતી અને પછી અહીંયા જ રોકાઈ ગઈ હતી. તે છેલ્લાં ઘણાં દિવસોથી ઉદાસ રહેતી હતી પરંતુ તેણે કોઈની સાથે પોતાની વાત શૅર કરી નહોતી. મંગળવાર (26 મે)ના રોજ સવારે તેની માતા યોગ કરવા માટે ટેરેસ પર ગયા તો તેમણે જોયું કે પ્રેક્ષાનાં રૂમની લાઈટ ચાલુ છે. માતાએ એવું વિચાર્યું કે તે જાગે છે અને એ એના રૂમમાં ગયા. દરવાજો ખખડાવ્યો પરંતુ ખોલ્યો નહીં. પછી માતાએ બારીમાંથી જોયું તો પ્રેક્ષા પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળી આવી હતી. દીકરીને આ હાલતમાં જોઈને માતાએ બૂમાબૂમ કરી મૂકી હતી. ત્યારબાદ ઘરના સભ્યો તથા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં. દરવાજો તોડીને પ્રેક્ષાને હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ ડોક્ટરે તેને મૃત ઘોષિત કરી હતી.
પ્રેક્ષાએ ભોપાલમાં ફિલ્મ એન્ડ ડ્રામા એકેડેમીમાં એક વર્ષનો એક્ટિંગ કોર્સ કર્યો હતો. તેણે ઈન્દોરની એક્રોપોલિસ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. પ્રેક્ષાએ સૌ પહેલું નાટક ‘ખોલ દો’ કર્યું હતું. આ નાટકને જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. મૂળ આ નાટક મન્ટોએ લખેલું છે. ત્યારબાદ પ્રેક્ષાએ ‘ખૂબસુરત બહૂ’, ‘બૂંદે’, ‘પ્રતિબિંબિત’, ‘પાર્ટનર્સ’, ‘થ્રિલ’, ‘અધૂરી ઔરત’ જેવા નાટકમાં કામ કર્યું હતું. તેને રાષ્ટ્રીય નાટ્ય ઉત્સવમાં ત્રણવાર ફર્સ્ટ પ્રાઈઝ જીત્યું હતું. ‘ક્રાઈમ પેટ્રોલ’ના એપિસોડ્સમાં પણ તેણે કામ કર્યું હતું. આ ઉપરાંત સ્ટાર પ્લસની કેટલીક સિરિયલમાં કામ કર્યું હતું. તેણે ‘સખા’ નામની ફીચર ફિલ્મમાં લીડ રોલ પ્લે કર્યો હતો. તેણે ‘ડેર ટૂ લવ’ આલ્બમમાં પણ કામ કર્યું હતું.
ટીવી સિરિયલ ‘આદત સે મજબૂર’ તથા ‘કુલદીપક’માં જોવા મળેલા 32 વર્ષીય એક્ટર મનમીત ગ્રેવાલે પણ ગયા શુક્રવાર, 15 મેની રાત્રે નવી મુંબઈ સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. સૂત્રોના મતે, લૉકડાઉનને કારણે કામ ના મળવાને કારણે મનમીત ડિપ્રેશનમાં હતો. આ ઉપરાંત તેણે મિત્રો પાસેથી પૈસા પણ ઉધાર લીધા હતાં. આર્થિક સ્થિતિ સારી ના હોવાને કારણે મનમીતે આત્મહત્યા કરી હતી.