મુંબઈઃ જાણીતાં ટીવી સિરિયલ અભિનેત્રી અને ભારતનાટ્યમ નૃત્યાંગના સુધા ચંદ્રને એમનાં મોબાઈલ ફોનના કેમેરાના સેલ્ફી મોડ પર એક વિડિયો નિવેદન રેકોર્ડ કરીને તેને સોશિયલ મિડિયા પર શેર કર્યું છે. એમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે પોતાની જેવા દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોને કેન્દ્ર સરકાર કોઈ સ્પેશિયલ કાર્ડ ઈસ્યૂ કરે જેથી વિમાન પ્રવાસ કરતી વખતે એરપોર્ટ પર ચેક-ઈન અને ચેક-આઉટ કરતી વખતે એમને તકલીફોનો સામનો કરવો ન પડે.
ઉલ્લેખનીય છે કે સુધા ચંદ્રને આ અપીલ એટલા માટે કરી છે કે એ પોતે પણ જ્યારે વિમાન પ્રવાસ કરે છે ત્યારે એરપોર્ટ પર એમને તકલીફોનો સામનો કરવો પડે છે. એરપોર્ટ અધિકારીઓ-સુરક્ષાકર્મીઓ એમને અટકાવે છે અને એમને તેમનો કૃત્રિમ પગ ઉતારીને એમની વિકલાંગતા સાબિત કરવાનું કહે છે. વર્ષો પહેલાં એક રોડ અકસ્માતમાં સુધા ચંદ્રનનો એક પગ કપાઈ ગયો હતો. ત્યારથી એ કૃત્રિમ (પ્રોસ્થેટિક) પગના સહારે ચાલે છે.
સુધા ચંદ્રને પીએમ મોદીને અપીલ કરી છે કે એમનાં જેવા દિવ્યાંગ વ્યક્તિઓ માટે સરકારે કોઈ ચોક્કસ કાર્ડ ઈસ્યૂ કરવું જોઈએ જેથી દર વખતે એરપોર્ટ પર સિક્યુરિટી પ્રક્રિયામાંથી પાસ થવા એમને કૃત્રિમ અવયવ કાઢીને એમની વિકલાંગતા સાબિત કરવા અપમાન સહન કરવું ન પડે. વિડિયો નિવેદનમાં એ કહે છે, ‘હું અભિનેત્રી અને નૃત્યાંગના સુધા ચંદ્રન છું. મેં કૃત્રિમ પગ પહેરીને નૃત્ય કરીને ઈતિહાસ સર્જ્યો છે, મારાં દેશનું ગૌરવ વધાર્યું છે. પરંતુ, હું જ્યારે પણ મારી વ્યવસાયિક મુલાકાતો પર જાઉં છું એ દર વખતે મને એરપોર્ટ પર રોકવામાં આવે છે. સીઆઈએસએફ અધિકારીઓ મારા કૃત્રિમ અવયવ માટે ETD (એક્સ્પ્લોઝિવ ટ્રેસ ડીટેક્ટર) કરાવવાનું મને કહે છે. એ પછી પણ તેઓ મને મારો કૃત્રિમ પગ કાઢવાનું અને એમને બતાવવાનું કહે છે. મોદીજી શું આ માનવીય તરીકે શક્ય છે? આપણા દેશમાં આવું ચાલે ખરું? આપણા સમાજમાં કોઈ મહિલાને માન આપવાની આ રીત છે? મોદીજી આપને મારી નમ્ર વિનંતી છે કે કૃપા કરીને અમને એવું કોઈક કાર્ડ આપો જેમ વરિષ્ઠ નાગરિકોને અપાય છે.’
Sudhaa Chandran appeals to PM Modi