2021માં બોલીવુડમાં ડેબ્યૂ કરી રહ્યાં છે આ પ્રાદેશિક કલાકારો

મુંબઈઃ છેલ્લાં કેટલાંક વર્ષોથી એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેમાં હિન્દી ફિલ્મોના ઘણાં કલાકારો પ્રાદેશિક ભાષાની ફિલ્મો તરફ વળ્યાં છે તો દક્ષિણ ભારતની ફિલ્મોના અનેક નામાંકિત કલાકારોએ બોલીવુડનો માર્ગ પકડ્યો છે. આવનારા મહિનાઓમાં દક્ષિણ ભારતનાં જે કલાકારો હિન્દી ફિલ્મોમાં અભિનય કરતાં જોવા મળશે એમાં શાલિની પાંડે, રશ્મીકા મંદાના, પ્રણિતા સુભાષ, વિજય દેવરાકોંડા, વિજય સેતુપતિ, સામંથા અકીનેનીનો સમાવેશ થાય છે.

શાલિની પાંડે તેલુગુ ફિલ્મમાં વિજય દેવરાકોંડા સાથે કામ કરી ચૂકી છે અને હવે ‘જયેશભાઈ જોરદાર’માં રણવીર સિંહ સાથે જોડી બનાવવાની છે. યશરાજ ફિલ્મ્સ પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું દિગ્દર્શન દિવ્યાંગ ઠક્કરે કર્યું છે.


રશ્મીકા મંદાના અનેક તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં નાયિકા તરીકે ચમકી છે. એ ‘મિશન મજનૂ’માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ચમકશે. તે ઉપરાંત ‘ગૂડ બાય’ ફિલ્મમાં એ અમિતાભ બચ્ચન સાથે પણ કામ કરતી જોવા મળશે.


પ્રણિતા સુભાષ કન્નડ, તેલુગુ અને તામિલ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. હવે એ બે બોલીવુડ ફિલ્મમાં જોવા મળશે. અજય દેવગન, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા સાથે એ ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’માં અને શિલ્પા શેટ્ટી, પરેશ રાવલ, મિઝાન જાફરી સાથે ‘હંગામા 2’માં પણ જોવા મળશે.


કબીર સિંહ ઉર્ફે અર્જુન રેડ્ડી ઉર્ફે વિજય દેવરાકોંડા તેલુગુ ફિલ્મોનો હિરો અને નિર્માતા છે. તે એક આગામી હિન્દી ફિલ્મમાં અનન્યા પાંડે સાથે રોમેન્ટિક જોડી બનાવવાનો છે. ફિલ્મમાં તે એક બોક્સરની ભૂમિકા કરશે. સામી બાજુએ, અનન્યા તેલુગુ, તામિલ, કન્નડ અને મલયાલમ ફિલ્મમાં કામ કરવાની છે.


વિજય સેતુપતિ પણ તામિલ, તેલુગુ, મલાયલમ ફિલ્મોમાં અગ્રગણ્ય હીરો છે. તે ‘મુંબઈકર’ નામની બોલીવુડ ફિલ્મમાં વિક્રાંત મેસ્સી, સંજય મિશ્રા, રણવીર શૌરી, સચિન ખેડેકર, તાન્યા માનિકતાલા જેવા કલાકારો સાથે જોવા મળશે. ‘મુંબઈકર’ ફિલ્મ 2017માં આવેલી એક તામિલ એક્શન થ્રિલર ફિલ્મની હિન્દી રીમેક હશે.


સામંથા અકીનેની તેલુગુ, તામિલ ફિલ્મોની જાણીતી હિરોઈન છે અને હાલમાં જ એ વેબસિરીઝ ‘ફેમિલી મેન 2’માં મનોજ બાજપાઈ સાથે ચમકી હતી. એ હવે હિન્દી ફિલ્મમાં ડેબ્યૂ કરવા સારી સ્ક્રિપ્ટની તલાશમાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]