મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત મોત કેસની CBI તપાસ કરી રહી છે, સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ હતી, એવા કોઈ પુરાવા CBIને નથી મળ્યા. CBIની એક ટીમ હાલ મુંબઈમાં છે અને તપાસ જારી છે. CBIના અધિકારીઓએ દિવંગત એક્ટરના કેટલાય સહયોગીઓ રિયા ચક્રવર્તી, તેના પરિવાર, રૂમમેટ સિદ્ધાર્થ પિઠાની, હાઉસ સ્ટાફ નીરજ સિંહ, ભૂતપૂર્વ મેનેજર શ્રુતિ મોદી, સેમ્યુઅલ મિરાન્ડા સહિત અન્ય લોકોની પૂછપરછ કરી હતી. CBI અધિકારીઓનું કહેવું છે કે તેઓ આત્મહત્યાના એન્ગલથી પણ આ કેસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેઓ એ પણ માલૂમ કરવાની કોશિશ કરી રહ્યા છે કે આમાં આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો કેસ તો નથી બની રહ્યો.
બીજી બાજુ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સુશાંત મોતના મામલે મની લોન્ડરિંગની તપાસ સંદર્ભે ગોવાના હોટેલિયર ગૌરવ આર્યની પણ ઊલટતપાસ કરી રહ્યું છે. EDના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર ગોવામાં હોટેલ ટેમરિન્ડ એન્ડ કેફે કોટિંગાના માલિક આર્ય ફરી એક વાર ગઈ કાલે તપાસ એજન્સી સામે હાજર થયો હતો. અને તેને સુશાંતની પ્રેમિકા રિયાની સાથે તેની ચેટ વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે, કેમ કે આ બંને જણે ડ્રગ્સ વિશે ચર્ચા કરી રહ્યા હતા.
EDના અધિકારીએ કહ્યું હતું કે આર્યની રિયા અને તેના ભાઈ શોઇકની સાથેની નાણાકીય લેવડદેવડ વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે. ED પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેનું નિવેદન નોંધી રહી છે.
EDએ સોમવારે આર્યની પહેલી વાર સાત કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. રવિવારે આર્યએ દાવો કર્યો હતો કે તે સુશાંતને ક્યારેય મળ્યો નથી અને તે 2017માં રિયાને એક વાર મળ્યો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે સુશાંત મામલે તેને કંઈ લાગતુંવળગતું નથી.
CBIની ટીમે ફરી એક વાર સુશાંતના ફ્લેટની મુલાકાત લીધી હતી, જ્યાર એક અન્ય એક ટીમે રિયા અને તેના ભાઈ શોવિક અને સુશાંતના ભૂતપૂર્વ મેનેજરની ઊલટતપાસ કરી હતી.