ટાઈગર શ્રોફ બનશે ‘રેમ્બો’: યશરાજ ફિલ્મ્સ નિર્માણ નહીં કરે

મુંબઈઃ હોલીવૂડ સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોનની ધમાકેદાર ફિલ્મ ‘રેમ્બો’ની હિન્દી આવૃત્તિ બનાવવામાં આવનાર છે અને એમાં સ્ટેલોનવાળી ભૂમિકા ભજવશે ટાઈગર શ્રોફ.

ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરવાના છે એવો અહેવાલ છે.

ફિલ્મનું નિર્માણ યશરાજ ફિલ્મ્સ બેનર કરશે એવા સમાચાર છે, પણ એને સૂત્રો તરફથી રદિયો આપવામાં આવ્યો છે. યશરાજ ફિલ્મ્સ તરફથી જોકે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

ટાઈગર શ્રોફે એના ઝમકદાર પરફોર્મન્સ દ્વારા એની ટેલેન્ટ અને ચાર્મને અવારનવાર સાબિત કર્યા છે અને હવે તે હિન્દી રૂપેરી પડદા પર રેમ્બોના દેશી અવતારમાં હાજર થવાનો છે.

દેશી ‘રેમ્બો’નું શૂટિંગ આ જ વર્ષના પહેલા છ મહિનાની અંદર શરૂ થવાનું હતું, પરંતુ કોરોના વાઈરસને કારણે મોકૂફ રહ્યું છે.

યશરાજ ફિલ્મ્સની સ્થાપનાનું આ 50મું વર્ષ છે.

અક્ષય કુમાર અને ઋતિક રોશન બાદ હિન્દી ફિલ્મોમાં એક્શન હિરો તરીકે ટાઈગર શ્રોફે પોતાનો સિક્કો જમાવી દીધો છે. ઋતિક અને ટાઈગર તાજેતરમાં જ ‘વોર’ એક્શન ફિલ્મમાં સાથે ચમક્યા હતા.