નવી દિલ્હીઃ વર્ષ 2022ના ઓસ્કાર એવોર્ડ્સની રાત એવોર્ડ આપવા માટે જ નહીં, પણ થપ્પડ કાંડ માટે પણ યાદ રાખવામાં આવશે. ક્રિસ રોકને પણ માલૂમ નહોતું કે તેની મજાક એટલી ભારે પડી જશે કે વિશ્વઆખા સામે થપ્પડ ખાવી પડશે. હાલ ચોરે ને ચૌટે વિલ સ્મિથ અને ક્રિસ રોક ચર્ચામાં છે, પણ શું આ કાંડને રશિયા અને યુક્રેન યુદ્ધ સાથે પણ કનેક્શન છે?
ઓસ્કાર એવોર્ડમાં બનેલા થપ્પડ કાંડ પર બોલીવૂડ એક્ટર પરેશ રાવલે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે વિલ સ્મિથના થપ્પડ કાંડનું રશિયા અને યુક્રેન યુદ્ધની વચ્ચે કનેક્શન શોધી કાઢ્યું છે. આ ઘટના પર ટ્વીટ કરતાં એક્ટરે લખ્યું હતું કે કોમેડિયન્સ દરેક જગ્યાએ જોખમમાં છે.
તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે યુદ્ધનો સામનો કરી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી તરફ ઇશારો કરતાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ બનતા પહેલાં ઝેલેન્સ્કી મશહૂર કોમેડિયન હતા. તેમણે પોતાના કાર્યકાળમાં રશિયા સામે યુદ્ધનો સામનો કરવો પડી રહ્યો છે.
Comedians are in Danger everywhere , be it Chris or Zelensky !!!
— Paresh Rawal (@SirPareshRawal) March 29, 2022
સોશિયલ મિડિયા પર હવે પરેશ રાવલનું એ ટ્વીટ ખૂબ વાઇરલ થઈ રહ્યું છે. આ સાથે કોમેડિયન અને એક્ટ્રેસ કેથી ગ્રિફિને વિલ સ્મિથ પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું હતું કે સ્ટેજ પર કોમેડિયનને થપ્પડ મારવી એ બહુ દુખદ ઘટના છે. હવે આપણે એ વાતની ચિંતા કરવી જોઈએ કે કોમેડી ક્લબો અને થિયેટર્સમાં આગામી વિલ સ્મિથ કોણ બનશે?