નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર દિલ્હી હિંસાને લઈ સતત સોશિયલ મીડિયામાં ટ્વીટ કરી રહી છે. હાલમાં જ સ્વરા ભાસ્કરને લઈ ટ્વિટર પર ‘અરેસ્ટ સ્વરા ભાસ્કર’ હેશટેગ ટ્રેન્ડ પણ થયું હતું. હવે, સ્વરાએ એક ટ્વીટ કર્યું છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. સ્વરા ભાસ્કરે બિલાડીની તસવીર પોસ્ટ કરીને ટ્વીટ કરી છે.
સ્વરા ભાસ્કરે બિલાડીએ જીભ કાઢી હોય તેવી તસવીર પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું કે, જીભ કાપી નાખો…પણ જેવી રીતે પાશએ લખ્યું છે, સત્ય ઘાસ જેવું છે…એ ફરી પાછું ઉગી નીકળશે. આ સાથે જ સ્વરાએ કવિ પાશની એક કવિતા પણ શેર કરી છે. પંજાબી ક્રાંતિકારી કવિ પાશે સમાજના સત્યને લઈને અનેક કવિતાઓનું સર્જન કર્યું. સ્વરાના આ ટ્વીટને સોશિયલ મીડિયા પર ખૂબ પ્રતિક્રિયાઓ મળી રહી છે.
મહત્વનું છે કે સ્વરા ભાસ્કરે ‘માધોલાલ કીપ વોકિંગ’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે ‘નિલ બટે સન્નાટા’, ‘તનુ વેડ્સ મનુ’, ‘રાંઝણા’ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે. સ્વરા ભાસ્કરે દિલ્હી યુનિવર્સિટીની મિરાંડા હાઉસ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે અને JNU (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી)માંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.