મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ટીવી સિરિયલની અભિનેત્રી મુનમુન દત્તાને સુપ્રીમ કોર્ટ તરફથી આજે રાહત મળી છે. સિરિયલમાં બબિતાજીનો રોલ કરી રહેલી મુનમુને એક અપમાનજનક જાતિવાદી શબ્દ (ભંગી)નો તેનાં એક મેક-અપ વિડિયોમાં ઉલ્લેખ કર્યા બાદ દેશના જુદા જુદા ભાગોમાંથી એની સામે પાંચ પોલીસ એફઆઈઆર નોંધવામાં આવી છે. કોર્ટે આ તમામ એફઆઈઆરના સંદર્ભમાં મુનમુન સામે તપાસ હાથ ધરવા સામે સ્ટે ઓર્ડર આપ્યો છે.
મુનમુન દત્તા સામે પાંચેય એફઆઈઆર અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર પ્રતિરોધક) કાયદાની કલમ 3 (1) (યૂ) હેઠળ નોંધવામાં આવી છે. પાંચેય એફઆઈઆરને ભેગી કરવામાં આવે એવી મુનમુનની વિનંતી પર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ નોટિસ ઈસ્યૂ કરી છે. મુનમુનનાં વકીલે સુનાવણી વખતે કહ્યું કે તે શબ્દનો ઉલ્લેખ કરતી વખતે મુનમુનને એના ખરા અર્થની ખબર નહોતી. જોકે કોર્ટે એ દલીલને નકારી કાઢી હતી.
