ચંડીગઢઃ ચંડીગઢ શહેરમાં એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓને સ્માર્ટફોન્સનું વિતરણ કર્યા બાદ બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદ હરિયાણાના એક ગામમાં ઓનલાઈન વર્ગોમાં ભણવામાં તકલીફ અનુભવી રહેલા વિદ્યાર્થીઓને મદદ કરવા ફરી આગળ આવ્યો છે.
સોનૂએ હરિયાણાના મોરની તાલુકાના એક ગામમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે એ માટે મોબાઈલ ટાવર લગાવી આપ્યો છે.
સોનૂએ એના મિત્ર કરણ ગિલ્હોત્રાની સાથે મળીને આ કામગીરી શરૂ કરી હતી. એમણે ઈન્ડસ ટાવર્સ અને એરટેલ કંપનીઓ તરફથી નિરંતર કનેક્ટિવિટી મળે એ માટે ગામમાં એક મોબાઈલ ટાવર ઈન્સ્ટોલ કરાવી આપ્યો હતો.
મોરની તાલુકાના દાપના ગામનો એક વિડિયો સોશિયલ મિડિયા પર જોયા બાદ ત્યાંના વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનું સોનૂએ નક્કી કર્યું હતું. તે વિડિયોમાં, દાપના ગામનો એક બાળક એક ઝાડની શાખા પર બેઠેલો દેખાય છે, જેથી મોબાઈલના સિગ્નલ્સ પકડી શકાય. એ પોસ્ટમાં સોનૂ સૂદને ટેગ કરવામાં આવ્યો હતો.
સોનૂએ કહ્યું છે કે, બાળકો દેશનું ભવિષ્ય છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે એમને સમાન તક મળવી જ જોઈએ. બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી શકે એ માટે એમના ગામમાં મોબાઈલ ટાવર બેસાડી આપવામાં મદદરૂપ થયો એને હું મારું સૌભાગ્ય સમજું છું. હવે એ લોકોને મોબાઈલ સિગ્નલ્સ પકડવા માટે ઝાડ પર ચડવું નહીં પડે.
ઉલ્લેખનીય છે કે, કોરોના લોકડાઉન લાગુ કરાયું હતું ત્યારથી સોનૂ પરપ્રાંતીય મજૂર-કામદારોને એમના વતન-ગામ પહોંચાડવામાં ખૂબ મદદરૂપ થયો હતો. એણે એમને માટે બસોની વ્યવસ્થા કરી આપી હતી. એને આ માટે યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સંસ્થા તરફથી ખાસ માનવતાવાદી પગલાનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. ભૂતકાળમાં આ એવોર્ડ એન્જેલિના જોલી, ડેવિડ બેકહેમ, લિયોનાર્ડો ડીકેપ્રિઓ, ઈમા વોટ્સન, કેટ બ્લાન્શેટ, નિકોલ કીડમેન, પ્રિયંકા ચોપરા જેવી ફિલ્મી હસ્તીઓ પણ મેળવી ચૂકી છે.