દીપિકાથી ડ્રગ્સ મામલે પૂછપરછ કરનાર NCBના અધિકારીને કોરોના

નવી દિલ્હીઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)ના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રા કે જેમણે કેટલાક દિવસો પહેલાં દીપિકા પાદુકોણને બોલિવુડ ડ્રગ્સ મામલે પૂછપરછ કરી હતી, તેમનો કોરોના વાઇરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કેપીએસ મલ્હોત્રાએ વીકએન્ડમાં કોવિડ-19નો ટેસ્ટ કરાવ્યો હતો. તેઓ એ તપાસ ટીમનો હિસ્સો હતા, જેણે વોટ્સએપ ચેટ સામે આવ્યા પછી અભિનેત્રીની તપાસ કરી હતી, જેમાં દીપિકાએ એની મેનેજરને હેશ માટે પૂછ્યું હતું. NCB સુશાંત સિંહ રાજપૂત મામલે ડ્રગ એન્ગલની તપાસ કરી રહી છે. આ સિવાય એ બોલિવુડ અને ડ્રગ્સ કનેક્શનની તપાસ કરી રહી છે.

દીપિકાની સાથે સારા અલી ખાન, અને શ્રદ્ધા કપૂરની NCBએ સુશાંત સિંહ રાજપૂત મોત મામલે સંબંધિત ડ્રગ્સની તપાસમાં પૂછપૂરછ કરી હતી.

એક અહેવાલ મુજબ NCBની ટીમ બોલીવૂડ હસ્તીઓની સામે સજ્જડ પુરાવા એકઠા કરવા પર ધ્યાન આપી રહી છે. NCBના એક અધિકારીએ એ વાતની પુષ્ટિ કરી હતી કે કેટલાક બોલીવૂડ હસ્તીઓ તેમના રડાર પર છે અને એ આ મામલે પુરાવા એકત્ર કરી રહી છે. કેટલીક હસ્તીઓના ફોન પર પણ નજર રાખવામાં આવી રહી છે.

ફેડરલ એન્ટિ-નાર્કોટિક્સ એજન્સી SSR મોત મામલે ડ્રગ એન્ગલથી તપાસ કરી રહી છે. આ પહેલાં ગયા સપ્તાહમાં AIIMSની ટીમે CBIને પોતાનો રિપોર્ટ આપ્યો હતો, જેમાં એણે સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુનાં કારણોમાં હત્યા અને ઝેર આપ્યાની વાતને ફગાવી દીધી હતી. આ મામલે NCB અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને કોઈ નક્કર પુરાવા સાંપડ્યા નથી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]