મુંબઈઃ કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપ અને બોલીવુડ અભિનેતા અજય દેવગન વચ્ચે હિન્દી ભાષા અંગે થયેલા વિવાદ અંગે ગાયક સોનુ નિગમે તીવ્ર પ્રત્યાઘાત આપ્યા છે. બીસ્ટ સ્ટુડિયોઝના સ્થાપક અને સીઈઓ સુશાંત મહેતા સાથેના એક સંવાદમાં જ્યારે સોનુને હિન્દી ભાષા અંગેના વિવાદ વિશે કમેન્ટ કરવા કહેવામાં આવ્યું ત્યારે ‘પદ્મશ્રી’ સોનુ નિગમે પોતાનું સ્પષ્ટ વલણ દર્શાવ્યું હતું.
એમણે કહ્યું કે, ‘મારા જ્ઞાન મુજબ, ભારતના બંધારણમાં હિન્દીને રાષ્ટ્રીય ભાષા તરીકે દર્શાવવામાં આવી નથી. મેં આ વિશે નિષ્ણાતો સાથે મસલત પણ કરી છે. હિન્દી દેશમાં સૌથી વધારે બોલાતી ભાષા છે અને હું તે માનું છું. પરંતુ તમને ખબર છે, તામિલ દુનિયાની સૌથી જૂની ભાષા છે? સંસ્કૃત અને તામિલ વચ્ચે એક ચર્ચા થાય છે. લોકોનું કહેવું છે કે તામિલ સમગ્ર દુનિયાની સૌથી જૂની ભાષા છે.’ સોનુએ વધુમાં કહ્યું કે, આપણા દેશમાં સમસ્યાઓ શું ઓછી છે કે આપણને એક નવીની જરૂર છે? આપણે લોકો પર ભાષા ઠોકી બેસાડીને દેશમાં એખલાસભર્યા વાતાવરણને બગાડીએ છીએ, જેમ કે કોઈ તામિલ હોય તો એને એમ કહેવામાં આવે કે તારે હિન્દીમાં બોલવું જોઈએ. શા માટે એ તેમાં બોલે? લોકોને એમની ઈચ્છા મુજબની ભાષા બોલવાનો નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ. કોઈ પંજાબીએ પંજાબીમાં બોલવું જોઈએ, તામિલે તામિલમાં બોલવું જોઈએ. જો એમને અંગ્રેજીમાં બોલવું ફાવે તો તેઓ એમાં પણ બોલી શકે છે. આપણી અદાલતોમાં પણ અંગ્રેજીમાં ચુકાદા અપાય છે. ફ્લાઈટમાં એટેન્ડન્ટ્સ પણ અંગ્રેજી બોલવાનું જ પસંદ કરતા હોય છે.
હિન્દી ભાષા અંગેનો વિવાદ સુદીપના એક નિવેદનથી થયો હતો. એક મુલાકાતમાં એણે કહ્યું હતું કે હિન્દી હવે દેશની રાષ્ટ્રીય ભાષા રહી નથી. દક્ષિણ ભારતની ફિલ્મો આખા દેશમાં બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે. એના જવાબમાં, અજય દેવગને સોશ્યલ મિડિયા પર સુદીપને ટેગ કરીને એમ કહ્યું હતું કે, ‘હિન્દી ભાષા રાષ્ટ્રીય ભાષા હતી, છે અને રહેશે. જો એવું નથી તો દક્ષિણની ફિલ્મોને હિન્દીમાં ડબ શા માટે કરવામાં આવે છે?’ સુદીપે આના જવાબમાં લખ્યું હતું કે, ‘મારા કથનનું ખોટું અર્થઘટન કરાયું છે. સાહેબ, તમે હિન્દીમાં ટેક્સ્ટ મોકલ્યો એમાં જ હું સમજી ગયો. આ જ બતાવે છે કે આપણને સહુને હિન્દી પ્રતિ આદર છે, પ્રેમ છે. હું પણ હિન્દી શીખ્યો છું.’