મુંબઈઃ 70 અને 80ના દાયકાઓમાં બોલીવૂડની લાગણીપ્રધાન ફિલ્મોમાં નવા પ્રાણ લાવનાર પટકથાલેખક, સંવાદલેખક અને નિર્માતા સાગર સરહદીનું નિધન થયું છે. એ 88 વર્ષના હતા. વૃદ્ધાવસ્થાને લગતી બીમારીઓને કારણે એમણે રવિવારે મોડી રાતે મુંબઈમાં એમના નિવાસસ્થાને આખરી શ્વાસ લીધો હતો. જાવેદ અખ્તર, જેકી શ્રોફ, હંસલ મહેતા જેવી ફિલ્મી હસ્તીઓ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ સાગર સરહદીના નિધન અંગે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.
સાગર સરહદી એક પીઢ રંગભૂમિ-ફિલ્મ લેખક હતા. એમણે ‘કભી કભી’, ‘નૂરી’, ‘સિલસિલા’ જેવી ફિલ્મોની પટકથા લખી હતી અને ‘બાઝાર’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. સરહદીએ બોલીવૂડમાં એમની કારકિર્દીનો આરંભ 1971માં ‘અનુભવ’ ફિલ્મના સંવાદો લખીને કર્યો હતો. 1976માં એમણે ‘કભી કભી’ ફિલ્મની પટકથા લખી હતી. ત્યારબાદ ‘દૂસરા આદમી’, ‘ઈનકાર’, ‘સિલસિલા’, ‘ચાંદની’ ફિલ્મોની પણ પટકથા લખી હતી. 1982માં એમણે બનાવેલી ‘બાઝાર’ ફિલ્મ સંગીતને કારણે યાદગાર બની છે. 1997માં એમણે ‘યે ઈશ્ક નહીં આસાન’ ટીવી સિરિયલ બનાવી હતી. એમનું ખરું નામ ગંગાસાગર તલવાર હતું. એમનો જન્મ હાલના પાકિસ્તાનના એબટાબાદમાં થયો હતો. ભારતના ભાગલા વખતે 12 વર્ષની ઉંમરે એ દિલ્હી આવ્યા હતા. ફિલ્મોમાં સંવાદો લખતા પહેલાં એ ઉર્દૂ ટૂંકી વાર્તા અને નાટકો લખતા હતા.