મુંબઈઃ શાહરૂખ ખાન, તાપસી પન્નૂ, વિકી કૌશલ અભિનીત ‘ડંકી’ ફિલ્મ આવતી 21 ડિસેમ્બરથી થિયેટરોમાં રિલીઝ થવાની છે. ‘ડંકી’ જોવા માટે ફિલ્મીરસિયાઓ આતુર છે. લોકોમાં ફેલાયેલા રોમાંચનું પ્રતિબિંબ ફિલ્મની ટિકિટોના એડવાન્સ બુકિંગમાં થયેલા ધસારામાં જોઈ શકાય છે. રિલીઝ થવાના પહેલા જ દિવસ માટે આ ફિલ્મે રૂ. બે કરોડની કમાણીનો આંક મેળવી લીધો છે.
મુંબઈમાં રાજકુમાર હિરાની દિગ્દર્શિત આ ફિલ્મનો ‘ફર્સ્ટ ડે ફર્સ્ટ શો’ વહેલી સવારે 5.55 વાગ્યે યોજાવાનો છે. આ એક રેકોર્ડ ગણાશે. ભારતમાં તો શું, પણ સમગ્ર સિનેમાના ઈતિહાસમાં સવારે આટલા વહેલા ટાઈમના શોમાં ક્યારેય કોઈ નવી ફિલ્મ રિલીઝ થઈ નથી. ‘એસઆરકે યૂનિવર્સ’ નામક શાહરૂખ ખાનના પ્રશંસકોના એક ગ્રુપ (ફેન ક્લબ) દ્વારા દુનિયાભરમાં 1000થી વધારે થિયેટરોમાં ‘ડંકી’નો સ્પેશિયલ શો યોજવામાં આવ્યો છે. કોઈ પણ બોલીવુડ અભિનેતા માટે આ એક રેકોર્ડ છે. આ ફેન ક્લબે મુંબઈમાં બાન્દ્રા (વેસ્ટ)ના ગેઈટી થિયેટરમાં સવારે 5.55 વાગ્યે ‘ડંકી’ શો રાખ્યો છે. આ પહેલાં શાહરૂખની ‘પઠાણ’ ફિલ્મનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો સવારે 9 અને ‘જવાન’ ફિલ્મનો પહેલો શો સવારે 6 વાગ્યે રાખવામાં આવ્યો હતો.