પીઢ અભિનેત્રી તનુજાની તબિયત બગડતાં મુંબઈની હોસ્પિટલમાં દાખલ

મુંબઈઃ વીતી ગયેલાં વર્ષોનાં પ્રસિદ્ધ અભિનેત્રી તનુજાને વૃદ્ધાવસ્થાને કારણે આરોગ્યને લગતી તકલીફ ઊભી થતાં ગઈ કાલે સાંજે અહીંના જુહૂ વિસ્તારની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. 80 વર્ષીય તનુજા હાલ હોસ્પિટલના આઈસીયૂમાં છે અને ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ છે. પરિવારની નિકટના એક વર્તુળે સમાચાર સંસ્થા પીટીઆઈને જણાવ્યું છે કે તનુજાની તબિયતમાં સુધારો થયો છે. ચિંતા કરવા જેવું નથી.

તનુજાએ અનેક હિન્દી અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ જાણીતાં અભિનેત્રી શોભના સમર્થ અને નિર્માતા કુમારસેન સમર્થનાં પુત્રી છે. પ્રસિદ્ધ હિન્દી ફિલ્મ અભિનેત્રી સ્વ. નૂતનનાં તેઓ બહેન છે અને જાણીતી અભિનેત્રી કાજોલનાં માતા છે. તનુજા ‘બહારેં ફિર ભી આયેગી’, ‘જ્વેલ થીફ’, ‘હાથી મેરે સાથી’, ‘મેરે જીવન સાથી’ જેવી ફિલ્મોમાં ભજવેલી ભૂમિકા માટે જાણીતાં છે.