શબાના આઝમી શરાબ ડિલીવરીવાળાથી છેતરાયાં

મુંબઈઃ હિન્દી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી શબાના આઝમી શરાબની ડિલીવરી કરતી એક ઓનલાઈન કંપની દ્વારા પૈસાની ચૂકવણીમાં છેતરપીંડીનો શિકાર બન્યાં છે. ખુદ શબાનાએ જ આની જાણકારી ટ્વિટરના માધ્યમથી આપી છે. એમણે કહ્યું કે એમણે ઓનલાઈન પ્લેટફોર્મ પર આલ્કોહોલનો ઓર્ડર આપ્યો હતો. એ માટે તેમણે પૈસાની અગાઉથી ચૂકવણી કરી દીધી હતી, પણ ઓર્ડર મુજબ શરાબની ડિલીવરી કરવામાં આવી નહીં. 70 વર્ષીય શબાનાએ લખ્યું છે કે, ‘સંભાળજો, મારી સાથે એ લોકોએ છેતરપીંડી કરી છે. મેં પૈસાની અગાઉથી ચૂકવણી કરી દીધી હતી, પણ ઓર્ડર મુજબ ચીજ આપવા કોઈ આવ્યું જ નહીં. એ પછી તેમણે મારા ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું.’  શબાનાએ જોકે સોદાની રકમ જણાવી નથી. પહેલા ટ્વીટમાં એમણે આ છેતરપીંડી વિશે ફરિયાદનું લખ્યું નહોતું, પરંતુ બાદમાં બીજા ટ્વીટમાં એમણે લખ્યું છે કે, ‘મેં આ ઠગ લોકોને શોધી કાઢ્યાં છે અને એમની સામે મુંબઈ પોલીસ અને સાઈબર ક્રાઈમ વિભાગ પગલાં લે એવી હું વિનંતી કરું છું, જેથી તેઓ કાયદેસર ધંધાદારીઓનાં નામે લોકોને છેતરે નહીં.’

શબાના નવી ફિલ્મ ‘શીર કોરમા’માં જોવા મળશે. એમાં સ્વરા ભાસ્કર અને દિવ્યા દત્તાની પણ ભૂમિકા છે. શબાનાને ગયા વર્ષના જાન્યુઆરીમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર કાર અકસ્માત થયો હતો. એમની કાર ટોલ પ્લાઝા નજીક એક ટ્રક સાથે પાછળથી અથડાઈ હતી.