તાપસી પન્નુની ‘શાબાશ મિઠુ’ના ડિરેક્ટર બદલાયા

મુંબઈઃ કોરોના રોગચાળાને કારણે લોકડાઉનમાં તમામ ફિલ્મોનાં શૂટિંગ્સ અટકી ગયાં હતાં. હવે ધીમે-ધીમે ફિલ્મોનાં શૂટિંગ શરૂ થયાં છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજની બાયોપિક ‘શાબાશ મિઠુ’માં લીડ રોલમાં નજર આવનારી તાપસી પન્નુએ ફોર્મ અને શોટ્સ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. હવે મેકર્સે નક્કી કરવાનું છે કે શૂટિંગ ક્યારે શરૂ કરવામાં આવશે. જોકે એ દરમ્યાન ફિલ્મનું ડિરેક્શન હવે રાહુલ ધોળકિયાને બદલે શ્રીજીત મુખરજી કરશે. પ્રોડક્શન હાઉસ ટૂંક સમયમાં આ ફેરફારની ઘોષણા કરશે. તેઓ જલદી જ શૂટિંગ શરૂ કરવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે. જોકે આ માટે શ્રીજીત મુખરજી અને રાહુલ ધોળકિયા સાથે વાત નથી થઈ શકી.

ગયા વર્ષે રાહુલ ધોળકિયાએ જણાવ્યું હતું કે ‘શાબાશ મિઠુ’ જુલાઈમાં ફ્લોર થવાની હતી, પણ મને લાગે છે કે લોકડાઉન હટ્યા પછી આશા છે કે આ વર્ષે ફ્લોર પર જશે. અમે મુંબઈ અને હૈદરાબાદના લોકેશન તરીકે વિચાર્યું હતું, પણ હવે એ જોવાનું છે કે કઈ જગ્યા શૂટિંગ માટે ફ્રેન્ડલી છે.

બંગાળી સિનેમામાં કામ કરતા શ્રીજીત મુખરજીએ વર્ષ 2017માં આવેલી ફિલ્મ ‘બેગમ જાન’ને ડિરેક્શનથી બોલીવૂડમાં ડગ માંડ્યા હતા.

એક્ટ્રેસ તાપસી પન્નુ બોલીવૂડની સૌથી વર્સેટાઇલ એક્ટ્રેસીસમાંની છે. તેણે રોમેન્ટિક કોમેડી ‘જુડવા 2’ જેવી ફિલ્મોથી માંડીને ‘પિન્ક’ જેવી સિરિયસ ફિલ્મ પણ કરી છે.