‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ની રિલીઝ રોકવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

નવી દિલ્હીઃ આલિયા ભટ્ટ અભિનીત અને સંજય લીલા ભણસાલી નિર્મિત હિન્દી ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ની રિલીઝ સામે સ્ટે ઓર્ડર આપવાની પીટિશનને સુપ્રીમ કોર્ટે આજે નકારી કાઢી છે. ભણસાલી પ્રોડક્શન પ્રા.લિ. નિર્મિત ફિલ્મ આવતીકાલે રિલીઝ થવાની છે. નિર્માતાઓ વતી ઉપસ્થિત થયેલા સિનિયર એડવોકેટ એ. સુંદરમે કોર્ટને કહ્યું હતું કે અરજદારની માગણી મુજબ, ફિલ્મનું નામ બદલવાનું હવે વ્યાવહારિક રીતે શક્ય નથી, કારણ કે એ માટે અમારે ફરી સેન્સર બોર્ડ પાસે જવું પડશે. વળી, ફિલ્મના શિર્ષકને સેન્સર બોર્ડે જ પાસ કર્યું છે અને સર્ટિફિકેટ આપ્યું છે. પોતે ગંગૂબાઈનો દત્તક પુત્ર છે એવું સાબિત કરવા માટે શાહ પાસે કોઈ પુરાવો નથી.

ન્યાયમૂર્તિઓ ઈન્દિરા બેનરજી અને જે.કે. મહેશ્વરીની બેન્ચે બાબુજી રાવજી શાહની અરજીને ફગાવી દીધી હતી. અરજીમાં શાહે એવો દાવો કર્યો હતો કે પોતે ગંગૂબાઈનો દત્તક લીધેલો પુત્ર છે. ફિલ્મની રિલીઝ પર વચગાળાનો સ્ટે ઓર્ડર આપવા સહિત અનેક રાહતો આપવાનો ઈનકાર કરતા મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને શાહે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ન્યાયાધીશોએ જણાવ્યું કે અરજી નકારી કાઢવાના કારણો બાદમાં જણાવવામાં આવશે.