કંગનાને જવાબ આપવા આલિયાએ ભગવદ્દ-ગીતાનો આધાર લીધો

મુંબઈઃ બોલીવુડની ‘તડફડ કહી દેવાવાળી’ બહાદુર અભિનેત્રી કંગના રણોતે આગામી હિન્દી ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ની ટીકા કરી છે અને આલિયા ભટ્ટને ‘ઊતરતી કોટિ’ની અભિનેત્રી અને ‘નેપો-ગેંગ’ની સભ્ય કહી છે. આલિયાએ કોલકાતામાં એક કાર્યક્રમમાં કંગનાની ટીકા વિશે પ્રત્યાઘાત આપ્યાં હતાં. એણે તે વખતે ભગવદ્દ ગીતા ગ્રંથનો આધાર લઈને કમેન્ટ કરી હતી. એણે કહ્યું, ‘ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે નિષ્ક્રિયતા (અકર્મ) એક ક્રિયા જ છે. બસ, મારે આનાથી વધારે કશું કહેવું નથી.’ આલિયા કોલકાતામાં પોતાની ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મના ગીત ‘મેરી જાન’નાં લોન્ચ પ્રસંગે ગઈ છે.

કંગનાએ હાલમાં જ એની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં દેખીતી રીતે જ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ અને આલિયા ભટ્ટની ટીકા કરતાં લખ્યું હતું: ‘આ શુક્રવારે એક પાપા (ફિલ્મ માફિયા ડેડી)ની પરી (જે બ્રિટિશ પાસપોર્ટ મેળવવા ધારે છે) તેનાં 200 કરોડ બોક્સ ઓફિસ પર બળીને રાખ થઈ જશે… ફિલ્મની સૌથી મોટી ખામી ખોટા કલાકારની પસંદગી છે… બોલીવુડ પર દક્ષિણની ફિલ્મો અને હોલીવુડની ફિલ્મો હાવી થઈ જશે તો પણ આ લોકો સુધરશે નહીં… ’