રવીનાને પિતાના નિધન પછી PM મોદીનો શોક સંદેશ મળ્યો

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ રવીના ટંડને 11 ફેબ્રુઆરીએ પિતા રવિ ટંડનને હંમેશ માટે ગુમાવી દીધા હતા. જેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્ટ્રેસ રવીનાને શોક સંદેશ મોકલ્યો હતો. રવીનાએ પિતાના તેરમાના દિવસે ટ્વિટર હેન્ડલથી વડા પ્રધાન મોદીએ મોકલેલો શોક પત્ર શેર કર્યો હતો. વડા પ્રધાને મોકલેલા પત્રમાં તેમણે સ્વ. ફિલ્મનિર્માતાના ફિલ્મજગતમાં યોગદાન માટે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે રવિ ટંડને પોતાની ક્રિયેટિવિટી અને સ્કિલથી ભારતીય ફિલ્મ સિનેમાને સમૃદ્ધ કર્યું હતું અને તેમનું નિધન આર્ટ વર્લ્ડ માટે એક પૂરી ના શકાય એવી ખોટ છે. રવીનાની કેરિયરમાં રવિનો પ્રભાવ વર્તાતો હતો અને તમારા  વ્યક્તિત્વથી અને ફિલ્મોમાં સફળતામાં તેમનું માર્ગદર્શન અને મૂલ્યો દર્શાવે છે, એમ તેમણે કહ્યું હતું.

રવીનાએ આ શોક સંદેશના પત્ર બદલ વડા પ્રધાન મોદીનો આભાર માન્યો હતો ને લખ્યું હતું કે નરેન્દ્ર મોદીજી, તમારા શબ્દો અને તમારી સાંત્વના બદલ આભાર, તેમની પ્રતિભા બહુમુખી હતી અને તેઓ વિરાસત છોડી ગયા છે. વડા પ્રધાને રવીના અને તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

રવીનાએ આ સાથે પિતાની કેટલીક જૂના ફોટો પણ શેર કર્યા હતા. તેણે લખ્યું હતું કે આજે પપ્પાનું તેરમું છે. આજના દિવસે તેમનો આત્મા બધી મોહમાયા છોડીને અંતે સ્વર્ગારોહણ કરે છે. તેમના માટે પ્રેમ દર્શાવવા બદલ હું તમારો અને બધાનો આભાર માનું છું. તેઓ એક સંનિષ્ઠ ડિરેક્ટર હતા.