સારા અલી ખાન, જાન્વી કપૂરે કેદારનાથની યાત્રા કરી

મુંબઈઃ બોલીવુડની બે યુવા અભિનેત્રીઓ – સારા અલી ખાન અને જાન્વી કપૂર હાલમાં જ ઉત્તરાખંડ રાજ્યસ્થિત પવિત્ર યાત્રાધામ કેદારનાથની દર્શન-યાત્રા કરીને આવી છે. એમણે તેમનાં એ પ્રવાસની તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી છે. ઈન્ટરનેટ પર બંને અભિનેત્રીની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. આ તસવીરો જોઈને ઘણા યૂઝર્સે કહ્યું છે કે આ તમારાં સંસ્કાર બતાવે છે.

તસવીરોમાં સૈફ અલી ખાન-અમ્રિતા સિંઘની પુત્રી સારા અને બોની કપૂર-સ્વ. શ્રીદેવીની પુત્રી જાન્વી કોઈ પણ પ્રકારનાં મેકઅપ વગર દેખાય છે. કેદારનાથમાં કાતિલ ઠંડી પડતી હોવાને કારણે બંને અભિનેત્રી શરીરમાં ગરમાટો જળવાઈ રહે તે માટે જાડાં જેકેટ્સ, મફલર, ટોપી, બૂટમાં સજ્જ થઈ હતી. બંને અભિનેત્રીએ કેદારનાથધામમાં પથ્થર પર બેસીને તસવીર પડાવી હતી, જેમાં પાછળ પશ્ચાદભૂમિમાં બરફાચ્છાદિત હિમાલયનાં પહાડો જોઈ શકાય છે.

(તસવીરોઃ ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ)