ભણસાલીએ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ની રિલીઝ તારીખ મુલતવી રાખી

મુંબઈઃ નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણસાલીએ એમની આગામી નવી ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ની રિલીઝ તારીખને પાછી ઠેલી છે. આનું કારણ એ છે કે અન્ય દિગ્દર્શક એસ.એસ. રાજમૌલીએ એમની આગામી નવી તેલુગુ ફિલ્મ ‘RRR’ને તૈયાર કરી લીધી છે અને એમની રિલીઝ તારીખ સાથે પોતાની ફિલ્મની રિલીઝ તારીખ ટકરાય નહીં એટલા માટે ભણસાલીએ આ નિર્ણય લીધો છે. આ માટે રાજમૌલીએ ટ્વિટરના માધ્યમથી ભણસાલી તેમજ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ના નિર્માતા જયંતીલાલ ગડાનો આભાર માન્યો છે.

‘RRR’ ફિલ્મ આવતા વર્ષની 7 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ભણસાલી અને ગડાએ આલિયા ભટ્ટ અભિનીત એમની ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ને 6 જાન્યુઆરી, 2022ના રોજ રિલીઝ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ હવે તેમણે નવી તારીખ આપી છે અને 18 ફેબ્રુઆરીએ એને રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. આલિયા ભટ્ટે ‘RRR’ ફિલ્મમાં પણ કામ કર્યું છે. તેલુગુમાં આ તેની પહેલી જ ફિલ્મ છે. આ ફિલ્મમાં અજય દેવગને પણ ભૂમિકા કરી છે અને તેની પણ આ પહેલી જ તેલુગુ ફિલ્મ છે. ફિલ્મમાં એન.ટી. રામારાવ જુનિયર અને રામચરણ જેવા ધુરંધર તેલુગુ અભિનેતાઓ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]