મોરબીથી 120 કિલો ડ્રગ્સ પકડાયું: ચારની ધરપકડ

અમદાવાદઃ રાજ્યના ATSએ મોરબીના ઝીંઝુડામાંથી પોલીસે 120 કિલો ડ્રગ્સ કબજે કર્યું છે. આ ડ્રગ્સનું બજારમૂલ્ય અંદાજે રૂ. 600 કરોડ છે. આ કેસના તાર પાકિસ્તાનના ડ્રગ માફિયા ખાલિદ બખ્શ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં 3000 કિલોથી વધુનું ડ્રગ્સ પકડાયું હતું, જેની કિંમત 22,000 કરોડથી વધુની છે. ડ્રગ્સના આ મોટા જથ્થા સાથે પોલીસે ચાર લોકોની પણ ધરપકડ કરી છે.

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ATS દ્વારા 120 કિલો ડ્રગ્ઝનો જથ્થો પકડવામાં આવ્યો છે.

ATS ગુજરાતના નાયબ પોલીસ અધિક્ષક કે. કે. પટેલને બાતમી મળી હતી કે ડ્રગ્સના જથ્થાની રાત્રે હેરફેર થવાની છે. પોલીસે માહિતીને આધારે મોરબીના ઝીંઝુડા ગામના મકાન પર દરોડો પાડીને 120 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો.આ કેસમાં તાર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદથી સંકળાયેલાં  છે. પાકિસ્તાની ડ્રગ માફિયા ખાલિદ બખ્શ દુબઈમાં બે ભારતીય દાણચોર જબ્બાર અને ગુલામને મળ્યો હતો. પોલીસે એ બંનેની ધરપકડ કરી છે.

ડ્રગ માફિયા ખાલિદે ડ્રગ્સનું મોટું કન્સાઇનમેન્ટ ભારત પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્યમાં હાલમાં જ ગુજરાતમાં પોલીસે દ્વારકા અને સુરતમાં ડ્રગનો મોટો જથ્થો પકડ્યો હતો, જેમાં ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી વાયા પાકિસ્તાન થઈને નશાનો જથ્થો દેશનાં અનેક રાજ્યમાં સપ્લાય થતું હોવાનું સામે આવતા સ્થાનિક પોલીસ અને ATSએ તપાસનો ધમધમાટ વધાર્યો હતો.