મુંબઈઃ કોરોના વાઈરસના સંકટકાળમાં પણ બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પર પૈસાનો વરસાદ થયો છે. અહેવાલો અનુસાર, બોલીવૂડમાં સૌથી મોટો કહેવાય એવો સોદો તેણે કર્યો છે. પોતાની આગામી હિન્દી ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ના રાઈટ્સ એણે ‘ઝી સ્ટૂડિયોઝ’ને રૂ. 230 કરોડમાં વેચ્યા છે.
કોરોના સંકટમાં ‘કૂલી નંબર-1’, ‘લક્ષ્મી’ જેવી મોટા બજેટવાળી ફિલ્મોને રિલીઝ કરવા માટે એમના નિર્માતાઓએ ડિજિટલ રૂટ લીધો છે, પરંતુ સલમાન પોતાની ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મને થિયેટરોમાં જ રિલીઝ કરવા મક્કમ છે. પોતાની આ ફિલ્મને 2021માં ઈદ તહેવારમાં ધમાકેદાર રીતે રિલીઝ કરવાના પ્રશંસકોને આપેલા વચનનું એ પાલન કરવાનો છે. ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મને સલમાન પહેલાં યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ કમિશનના આધારે રિલીઝ કરવા વિચારતો હતો, પણ હવે એણે ઝી સ્ટુડિયોઝ સાથે રૂ. 230 કરોડમાં સોદો કરી લીધો છે. આ સોદો સેટેલાઈટ, થિયેટ્રિકલ (ભારતમાં તેમજ વિદેશમાં), ડિજિટલ રિલીઝ તેમજ મ્યુઝિક, એમ તમામ રાઈટ્સનો છે. આમ, યશરાજ ફિલ્મ્સ માટે આ મોટી ખોટ સાબિત થઈ શકે છે.