રજનીકાંતે રાજકારણમાં પડવાનું માંડી વાળ્યું

ચેન્નાઈઃ દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે રાજકારણમાં ઝંપલાવવાનો વિચાર પડતો મૂક્યો છે. આ જાહેરાત માટે એમણે એમની નાદુરસ્ત તબિયતનું કારણ આપ્યું છે. આમ, પોતાના રાજકીય સપનાઓનો એન્ટી-ક્લાઈમેક્સ એમણે જાતે જ લખી નાખ્યો છે. પોતાના ટ્વિટર હેન્ડલ પર ત્રણ પાનાંનો એક પત્ર એમણે પોસ્ટ કર્યો છે અને એમાં તેમણે એમ પણ લખ્યું છે કે રાજકારણમાં ન પડવાનો મારો નિર્ણય ઈશ્વર તરફથી એક સંકેત સમાન જ છે. તબિયતને કારણે હું રાજકીય પક્ષ શરૂ કરી શકું એમ નથી કે રાજકારણમાં પ્રવેશ કરી શકું એમ નથી. આ જાહેરાત કરતાં મને કેટલી પીડા થાય એ માત્ર હું જ જાણું છું. રજનીકાંતે અગાઉ જાહેરાત કરી હતી કે પોતે 2021ના જાન્યુઆરીમાં પોતાનો રાજકીય પક્ષની સ્થાપના કરશે.

ઉલ્લેખનીય છે કે, રજનીકાંતની નવી ફિલ્મ અન્નાથ્થેના શૂટિંગ દરમિયાન કોરોના રોગચાળાને રોકવા માટેના તમામ પગલાં અને સાવચેતીઓ લેવામાં આવ્યા હોવા છતાં ચાર વ્યક્તિને કોરોના લાગુ પડ્યો હતો. રજનીકાંતે કહ્યું કે પોતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ એમનું બ્લડપ્રેશર વધી જતાં એમને હૈદરાબાદમાં હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. ડોક્ટરોએ પોતાને સલાહ આપી છે કે જો બ્લડપ્રેશરમાં વધ-ઘટ થતી રહેશે તો એમની ટ્રાન્સપ્લાન્ટ કરાયેલી કિડની પર માઠી અસર પડશે. તેથી નવી ફિલ્મનું શૂટિંગ પણ એમણે મોકૂફ રાખ્યું છે.