મુંબઈ – એક ઈન્ડિયન-અમેરિકન પ્રમોટરે બોલીવૂડ કલાકારો – સલમાન ખાન, કેટરીના કૈફ, સોનાક્ષી સિન્હા, રણવીર સિંહ, પ્રભુ દેવા સામે અમેરિકામાં કેસ કર્યો છે. એનો આરોપ છે કે એની પાસેથી પૈસા લીધા હોવા છતાં આ કલાકારોએ અમેરિકામાં એક ગીત-સંગીતના કાર્યક્રમમાં પરફોર્મ કરવાનો ઈનકાર કર્યો હતો.
આ કેસ શિકાગોસ્થિત વાઈબ્રન્ટ મિડિયા ગ્રુપે ઈલીનોઈ નોર્ધર્ન જિલ્લા કોર્ટમાં કર્યો છે. આ કેસમાં ડિસ્ટ્રીક્ટ જજ શેરોન જોન્સન કોલમેન સુનાવણી કરશે.
પ્રમોટર વાઈબ્રન્ટ મિડિયા ગ્રુપે સલમાન, કેટરીના, સોનાક્ષી ઉપરાંત અક્ષય કુમાર, ગાયકો ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને ઉષા મંગેશકર તેમજ એમનાં એજન્ટ્સ મેટ્રિક્સ ઈન્ડિયા એન્ટરટેનમેન્ટ કન્સલ્ટન્ટ્સ પ્રા.લિ. તથા યશરાજ ફિલ્મ્સ પ્રા.લિ. ઉપર પણ કેસ કર્યો છે. આ સૌએ કોન્ટ્રાક્ટનો ભંગ કર્યો હોવાનો આરોપ મૂક્યો છે.
ફરિયાદ અનુસાર, 2013ની સાલમાં 1 સપ્ટેંબરે અમેરિકામાં ‘ભારતીય સિનેમાના 100 વર્ષોની ઉજવણી’ના સંગીત કાર્યક્રમમાં લાઈવ સ્ટેજ પરફોર્મ કરવા માટે વાઈબ્રન્ટ ગ્રુપે બોલીવૂડ કલાકારોને રોક્યા હતા.
સલમાન ખાનને રાજસ્થાનમાં એના કોર્ટ કેસને કારણે ભારતમાંથી વિદેશમાં જવાની પરવાનગી ન મળતાં અમેરિકામાંનો એ શો રદ કરવો પડ્યો હતો. વાઈબ્રન્ટ મિડિયા ગ્રુપે એ શો મુલતવી રાખવા સહમતી દર્શાવી હતી.
એવું જાણવા મળ્યું છે કે, વાઈબ્રન્ટ ગ્રુપે ફરિયાદમાં એમ જણાવ્યું છે કે સલમાન તથા અન્ય કલાકારોએ વચનનું પાલન કરવાને બદલે અને ડિપોઝીટ રકમ પરત ન કરવાને બદલે તેઓ એક અન્ય પ્રમોટર માટે કામ કરવા સહમત થયા હતા.
ગ્રુપનું કહેવું છે કે પૈસા પરત કરવા માટે તમામ કલાકારો અને એમના એજન્ટ્સને ફોન કર્યો હતો, પણ કોઈ જવાબ મળ્યો નહોતો એટલે હવે તેણે કોર્ટમાં 10 લાખ ડોલરનો વળતરનો દાવો માંડ્યો છે.
વાઈબ્રન્ટ મિડિયાનો દાવો છે કે એણે 1 સપ્ટેંબર, 2013ના દિવસે શિકાગોના સીયર્સ સેન્ટરમાં શો યોજાય એ પહેલાં સલમાન ખાનને બે લાખ ડોલર ચૂકવ્યા હતા. કેટરીનાને 40 હજાર ડોલર અને સોનાક્ષીને 36 હજાર ડોલર ચૂકવ્યા હતા.