‘રેવા’ ફિલ્મ: નર્મદાસ્નાનની અનન્ય અનુભૂતિ!

અકાદમી પુરસ્કૃત કૃતિ પરથી બનેલી ગુજરાતી ફિલ્મ ‘રેવા’ એક સુખદ આશ્ચર્ય બનીને આવી છે.

એમ. મોનલ ગજ્જર-ચેતન ધનાણી

કેતન મિસ્ત્રી

પાછલી સવારનું સાફ પારદર્શક ભૂરું આકાશ. નર્મદાના તીરે શિલા પર કંતાન લપેટીને બેભાનાવસ્થામાં સરી પડેલો યુવાન ભૂખ-તરસ-તાવથી ફફડી રહ્યો છે. અચાનક એને કોઈ જગાડી રહ્યાનો અણસાર થાય છે. મહાપ્રયાસે એ આંખ ખોલે છે. સામે આઠ-દસ વર્ષની એક આદિવાસી કન્યા ઊભી છે. એના હાથમાં મકાઈનો ડોડો છેઃ

‘લે ખાઈ લે.’

ધ્રૂજતા હાથે ડોડો લેતાં નાયક પૂછે છે: ‘તું કોણ છે?’

કન્યાનો જવાબ સાંભળીને એ સ્તબ્ધ થઈ જાય છે. ‘નર્મદાની પરિક્રમા કરનારા પદયાત્રીઓને મા નર્મદા સદેહે દર્શન દે છે’ એ વાતને બકવાસ-નૉનસેન્સ ગણતા એ ઈન્ટલેક્ચ્યુઅલ યુવાનના સવાલનો કન્યા જવાબ આપે છે:

‘રેવા…’

સવારે નર્મદા તો ઢળતી સાંજે રેવા બની જતી, ખળખળ વહેતી નદીની આસપાસ એ સ્વર પડઘાતો જાય છેઃ ‘હું રેવા…’ ‘હું રેવા…’

દયાશંકર પાંડે-ચેતન ધાનાણી

-આની થોડી વાર બાદ, સિનેમેટોગ્રાફર સૂરજ કુડનો કૅમેરા પક્ષીની જેમ વિહંગાવલોકન કરતો, મધ્ય પ્રદેશના બેડાઘાટ પરથી જૂનારાજ, માંગરોળ, વગેરે નર્મદા જ્યાં જ્યાંથી વહે છે ત્યાંના એરિયલ શૉટ્સ લેતો આગળ વધતો રહે છે, બૅકગ્રાઉન્ડમાં દિવ્ય કુમાર (સંગીત અમર ખાંધ) નો સ્વર પડઘાય છે મા રેવા ઓ મા રેવા… ખળખળ વહેતું જાય તારું પાણી નિર્મળ… પુણ્ય થઈ એ ધરા, ધન્ય થયો એ માનવી, જેણે પામ્યો તારો સ્પર્શ કોમળ… (ફિલ્મના નાયક ચેતન ધનાણીએ લખેલું આ ગીત કીર્તિદાન ગઢવીના ઘેઘૂર અવાજમાં પણ આવતું રહે છે).

આ છે રેવાનો ઉપાડ. ધ્રુવ ભટ્ટની ગુજરાત સાહિત્ય અકાદમીના એવોર્ડથી સમ્માનિત નવલકથા તત્વમસિ પરથી ઊતરેલી રેવા આ શુક્રવારે (6 એપ્રિલે) રિલીઝ થઈ છે. ધ્રુવ દાદાની નવલકથામાં નર્મદા તથા એની આસપાસનાં જંગલ, જંગલમાં વસતી ને નર્મદા શ્વસતી આદિવાસી પ્રજા, નદીકાંઠા પરના આશ્રમ તથા આશ્રમવાસીની વાત આલેખવામાં આવી છે. અલબત્ત, રેવાના સર્જકો (લેખક-દિગ્દર્શક-સંકલનકાર) રાહુલ ભોળે-વીનિત કનોજિયાએ સિનેમાના માધ્યમને ધ્યાનમાં રાખીને કથામાં ફેરફાર કરી સાદ્યંત એન્ટરટેઈનિંગ ફિલ્મ બનાવી છે.

કલાકાર-કસબી લોકેશન્સ પર મજાકના મૂડમાં

દિગ્દર્શક રાહુલ ભોળે ‘ચિત્રલેખા’ને કહે છેઃ “આ ફિલ્મનિર્માણના બે મોટા પડકારમાંનો એક અને સૌથી મોટો હતોઃ લેખન. કંઈકેટલાં પાત્રો, પરિમાણ, ગૂઢાર્થવાળી નવલકથામાંથી શું લેવું કેટલું લેવું અને પ્રેક્ષક સામે કેવી રીતે મૂકવું?”

ગયા વર્ષે ચોર બની થનગાટ કરે જેવી મનોરંજક ફિલ્મ આપનારી આ દિગ્દર્શક જોડી ઉમેરે છે કે ધ્રુવ દાદાએ અમને વાર્તામાં ફેરફાર કરવાની છૂટ આપી એ માટે અમે એમના ઋણી છીએ. બીજો પડકાર અમારા માટે હતોઃ લોકેશન્સ. નર્મદા જ્યાં જ્યાંથી વહે છે એ ગુજરાત-મધ્ય પ્રદેશ (ભેડાઘાટ, ગૌરિઘાટ, માહેશ્ર્વરઘાટ, માંગરોળ, વગેરે) પંદરથી વધુ લોકેશન્સ પર અમે શૂટિંગ કર્યું. આ ઉપરાંત દીવની કેવ્સમાં પણ અમે શૂટિંગ કર્યું. પરિણામ તમારી સામે છે.

ફિલ્મસર્જકોએ રૂપેરી પરદા માટે આલેખી છે વાર્તા કંઈક આવીઃ નાયક કરણ (ચેતન ધનાણી) અમેરિકામાં ઊછરેલો ગુજરાતી યુવાન છે. મા-બાપવિહોણા કરણના ધનાઢ્ય દાદાજીનું મૃત્યુ થાય છે. મિલિયન્સ ઑફ ડૉલર્સનો વારસદાર થવા થનગની રહેલા કરણને એના વકીલ કહે છે કે દાદાજી એના માટે કંઈ મૂકી ગયા નથી, પોતાની સઘળી સંપત્તિ એ નર્મદાકાંઠે આવેલા એક આશ્રમને દાનમાં આપી ગયા છે. કરણને એ મિલકત જોઈતી હોય તો ત્યાં જવાનું, એને મિલકત મળે એમાં વાંધો નથી એવા લખાણ નીચે આશ્રમના ટ્રસ્ટીઓની સહીઓ લેવાની. ઑલમોસ્ટ (અમેરિકાના) રસ્તા પર આવી ગયેલો કરણ નછૂટકે નર્મદાકાંઠે આવેલા આશ્રમમાં જાય છે. અમેરિકામાં ઊછરેલા, સતત આઈપૅડ, આઈફોન, બ્લૂ ટૂથ હેડફોન્સના સાંનિધ્યમાં રહેતા કરણને હવે મોબાઈલનું નેટવર્ક મેળવવા માઈલોનું ચઢાણ કરવું પડે છે, આશ્રમની એક ઓરડીમાં રહેવું પડે છે, એને કંપની છે આશ્રમના મેનેજર ગુપ્તાજીની, સુશિક્ષિત-સુંદર સુપ્રિયાની અને આદિવાસીઓની…

દિગ્દર્શક જોડી વીનિત કનોજિયા-રાહુલ ભોળે

અમરકંટકથી લઈને સમુદ્રને મળવા સુધીના પ્રવાસમાં નર્મદા પોતે તો બદલાતી રહે છે (સવારે નર્મદા તો સાંજે રેવા), પણ સાથે સાથે એ પોતાના સંસર્ગમાં આવતા લોકોનાં જીવનપરિવર્તન પણ કરતી જાય છે. એ ક્રમે, વિવધ પ્રસંગોની ઘટમાળ બાદ કરણનું માનસપરિવર્તન થાય છે અને પ્રેક્ષક માટે આશરે અઢી કલાકનો આ પ્રવાસ આહલાદક બની રહે છે.

ફિલ્મનો અંત આવે છે અને આપણે થિયેટરની બહાર નીકળીએ ત્યારે ન કેવળ એક સારી ફિલ્મ જોયાની બલકે ‘નમામિ દેવી નર્મદે’નો જાપ કરતાં કરતાં નર્મદાસ્નાન કર્યાની અનુભૂતિ થાય છે.

ભૌતિક સુખસગવડ વિના પણ નદીકાંઠે અલમસ્ત રહેતાં પુરિયા-બિત્તબુંગા (રૂપા બોરગાંવકર-અતુલ મહાળે-અભિનય બૅન્કર) જેવા આદિવાસીઓ અને એમના ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ એવા સુપ્રિયા-શાસ્ત્રીજી-ગુપ્તાજી (અનુક્રમે મોના-યતીન કાર્યેકર-પ્રશાંત બારોટ) તથા જંગલમાં ઓલિયા ફકીરની જેમ રહીને પણ આદિવાસીઓનાં ઉત્થાનમાં રત એવા ગંડુ ફકીર (દયાશંકર પાંડે) જેવાં પાત્રો પ્રેક્ષકો સાથે કનેક્ટ જ નથી થતાં, બલકે, એમનાં સુખ-દુઃખને અનુભવે પણ છે. મહાનદી નર્મદા પણ ફિલ્મમાં એક મહત્ત્વનું પાત્ર થઈને વહેતી જાય છે. નાયક ચેતન ધનાણીએ સહલેખન પણ કર્યું છે.

ફિલ્મમાં પૂર્વ-પશ્ચિમના વિચારભેદને એક નાનકડા સંવાદ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યો છે, જે ફિલ્મનું હાર્દ બની રહે છે. સીન એવો છે કે કરણ પોતાનો ઈલાજ કરનારા વૈદ તથા આશ્રમવાસીઓના શાસ્ત્રીજી (યતીન કાર્યેકર) સાથે ધર્મ-માન્યતા-ઈશ્ર્વરના હોવા ન હોવા વિશે ચર્ચામાં ઊતરતાં કહે છેઃ “મને ભગવાનમાં શ્રદ્ધા નથી.’ ત્યારે જવાબ આપતાં શાસ્ત્રીજી કહે છેઃ “ભગવાનમાં હોય કે ન હોય, શ્રદ્ધા હોવી જરૂરી છે. આમ પણ આપણો દેશ ધર્મ પર નહીં, આધ્યાત્મ પર ટકી રહ્યો છે…”

બસ, આ ફિલ્મસમીક્ષકની અપાર શ્રદ્ધા કહે છે કે ‘રેવા’ ચાલવી જોઈએ, ચાલશે જ. પાતળી કાઠીના, પણ પહોળી છાતીવાળા નિર્માતા પરેશ વોરાએ આવા વિષય પર ફિલ્મ બનાવવાનું બીડું ઝડપ્યું છે. હવે ગુજરાતી પ્રજા તરીકે એમને સાથ આપવાની જવાબદારી આપણી છે.

નર્મદા હરે…

(જુઓ ‘રેવા’ની ઝલક…)

httpss://youtu.be/98HopDXQXek

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]