હાફિઝ સઈદને લાહોર હાઈકોર્ટથી રાહત, કહ્યું પાક. સરકાર ન કરે પરેશાન

ઈસ્લામાબાદ- મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી હાફિઝ સઈદને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વૈશ્વિક આતંકી જાહેર કરી ચુકી છે. પરંતુ તેનાથી વિપરીત પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટ હાફિઝ સઈદને સામાજિક કાર્યકર ગણાવી તેનો બચાવ કર્યો છે. અને લાહોર હાઈકોર્ટે પાકિસ્તાન સરકારને હાફિઝ સઈદને પરેશાન નહીં કરવા જણાવ્યું છે.લાહોર હાઈકોર્ટે હાફિઝ સઈદનાં સંગઠન જમાત-ઉદ-દાવા અને ફલહ-એ-ઈન્સાનિયતને કાયદાના દાયરામાં રહીને કામ કરવા મંજૂરી તો આપી દીધી, પરંતુ તેને સામાજિક કલ્યાણ સાથે જોડાયેલાં કાર્યો પર સરકાર દ્વારા લગાવવામાં આવેલો પ્રતિબંધો રદ નથી કર્યો. હાફિઝ સઈદના વકીલની દલીલો સાંભળ્યા બાદ લાહોર હાઈકોર્ટે પાકિસ્તાન અને પંજાબ પ્રાંતની સરકારને 23 એપ્રિલ સુધીમાં પોતાનો જવાબ આપવા જણાવ્યું છે.

આતંકી સંગઠન ‘લશ્કર-એ-તોઈબા’ના સંસ્થાપક હાફિઝ સઈદે કોર્ટમાં કરેલી પોતાની અરજીમાં કહ્યું છે કે, તેણે ભારત અને અમેરિકાના દબાણ આગળ નમવાનો ઈનકાર કરી દીધો છે, તેથી પાકિસ્તાન સરકાર તેના પક્ષનાં સામાજિક કાર્યોમાં દખલ કરી રહી છે. વધુમાં હાફિઝે એમ પણ કહ્યું કે, કોઈ સંગઠન અથવા પક્ષને સામાજિક કાર્યો કરતા અટકાવવા બંધારણ વિરુદ્ધ છે.