રણવીર રૂપેરી પડદા પર ભજવશે ગુજરાતી પાત્ર – ‘જયેશભાઈ જોરદાર’

મુંબઈ – બોલીવૂડ એક્ટર રણવીર સિંહ હાલ ”83′ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે અને એણે એક નવી ફિલ્મ સાઈન કરી છે, જેનું ટાઈટલ છે ‘જયેશભાઈ જોરદાર’. આ ફિલ્મમાં રણવીર ગુજરાતી યુવકની ભૂમિકા ભજવશે.

આ ફિલ્મનું દિગ્દર્શન લેખક-દિગ્દર્શક દિવ્યાંગ ઠક્કર કરશે, જેમની આ પહેલી જ હિન્દી ફિલ્મ હશે.

રણવીરને આ ફિલ્મની સ્ક્રિપ્ટ બહુ જ ગમી ગઈ છે. આ ફિલ્મ કોમેડી હશે અને એમાં મનોરંજનનો પણ ભરપૂર મસાલો હશે. ફિલ્મનું નિર્માણ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ મનીષ શર્મા કરશે. શર્માએ જ દિવ્યાંગ ઠક્કરને આ ફિલ્મ બનાવવાનું કામ સોંપ્યું છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષના ઓક્ટોબરથી શરૂ થશે.

આ જ મનીષ શર્માએ સૌથી પહેલાં ‘બેન્ડ બાજા બારાત’ ફિલ્મ બનાવી હતી અને એ ફિલ્મ રણવીરની કારકિર્દીની પહેલી હતી.

રણવીરે ‘જયેશભાઈ જોરદાર’ ફિલ્મ વિશે કહ્યું કે, ‘આ ફિલ્મ બધાયને ગમશે. મને આની સ્ક્રિપ્ટ બહુ જ ગમી છે. મિરેકલ સ્ક્રિપ્ટ છે.’

રણવીર હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સૌથી વધારે ડિમાન્ડમાં રહેનારો એક્ટર છે. એ અત્યાર સુધીમાં સંજય લીલા ભણસાલી, રોહિત શેટ્ટી, ઝોયા અખ્તર, કબીર ખાન જેવા દિગ્ગજ દિગ્દર્શકોની ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે અને હવે એણે નવોદિત દિગ્દર્શકની ફિલ્મમાં પણ કામ કરવાનું પસંદ કર્યું છે.

”83′ ફિલ્મ રિલીઝ થયા બાદ રણવીરની ‘જયેશભાઈ જોરદાર’ રિલીઝ થશે. ”83′ ફિલ્મ ભારતે 1983માં જીતેલી વર્લ્ડ કપ સ્પર્ધાના વિષય પર આધારિત છે અને એમાં એ ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવની ભૂમિકા કરી રહ્યો છે.

httpss://twitter.com/RanveerOfficial/status/1132869149728878593

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]