કેટરીનાએ હવે લગ્ન કરીને બાળકોને જન્મ આપવો જોઈએઃ સલમાન ખાન

મુંબઈ – બોલીવૂડમાં ઘણી અભિનેત્રીઓ હજી કુંવારી છે અને એમાં કેટરીના કૈફ પણ સામેલ છે. કેટરીના 35 વર્ષની થઈ છે. 2016માં એની અને રણબીર કપૂર વચ્ચે રોમાન્સની વાતો ચગી હતી. ત્યારપછી કેટરીના એકલી જ રહી છે.

હવે એ ‘ભારત’ ફિલ્મમાં ફરી આવી રહી છે. એમાં એનો હિરો છે સલમાન ખાન, જે એનો ભૂતપૂર્વ પ્રેમી છે.

સલમાન ખાને એક મુલાકાતમાં કહ્યું છે કે કેટરીનાએ હવે લગ્ન કરી લેવા જોઈએ.

એ મુલાકાતમાં સલમાન અને કેટરીના, બંને જણ હાજર હતાં. સલમાનને જ્યારે એવો સવાલ પૂછાયો કે, ‘તારા મતે કેટરીના જો અભિનેત્રી ન હોત તો એ શું બની હોત?’ ત્યારે સલમાને જવાબમાં કહ્યું કે, ‘કેટરીનાએ લગ્ન કરી લેવા જોઈએ અને બાળકોને જન્મ આપવો જોઈએ.’

એ સાંભળીને ચમકી ગયેલી કેટરીનાએ હસ્તક્ષેપ કર્યો હતો અને ઈન્ટરવ્યૂ લેનારને કહ્યું હતું કે, ‘તમે સલમાનને આ સવાલ ફરીથી પૂછો અને એને કહો કે કોઈ વ્યવસાયનું નામ આપે.’ ત્યારે સલમાને માત્ર એટલું કહ્યું કે ‘માતા બનવું એમાં પણ ઘણા કામો રહેતા હોય છે.’

અગાઉ, અરબાઝ ખાનના ચેટ શો ‘પિંચ’ વખતે કેટરીનાને એનાં લગ્નની યોજના વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે કેટરીનાએ કહ્યું હતું કે, હજી ખબર નથી. જિંદગી અણધારી છે. ક્યારે શું બને એની આપણને કંઈ ખબર હોતી નથી.

પરંતુ કેટરીનાએ એમ કહ્યું હતું કે, ‘એક વ્યક્તિ તરીકે, હું લગ્નપ્રથામાં અને બાળકોને જન્મ આપવામાં માનું છું અને હું એમ કરીશ.’

દરમિયાન સલમાનનું કહેવું છે કે એને પણ પોતાનાં બાળકો હોય એ બહુ ગમશે, પણ હાલને તબક્કે લગ્ન કરવાનો એનો કોઈ વિચાર નથી.

સલમાન અને કેટરીના અભિનીત ‘ભારત’ ફિલ્મ આવતી પાંચ જૂને રિલીઝ થવાની છે. એમાં દિશા પટની, જેકી શ્રોફ અને તબુની પણ મહત્ત્વની ભૂમિકાઓ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]