મુંબઈઃ એક અજ્ઞાત મોડેલે કરેલી ફરિયાદને પગલે અહીં અંધેરી (પશ્ચિમ)ના અંબોલી વિસ્તારના પોલીસ સ્ટેશને બોલીવૂડની ડ્રામા ક્વીન તરીકે જાણીતી અભિનેત્રી રાખી સાવંતને આજે અટકમાં લીધી છે અને એની પૂછપરછ કરવામાં આવી રહી છે. મોડેલનો આરોપ છે કે રાખીએ પોતાનો એક અશ્લીલ વીડિયો બનાવીને એને ઓનલાઈન સર્ક્યૂલેટ કર્યો છે.
પોલીસ સૂત્રોએ એવી જાણકારી આપી છે કે રાખીની હજી ધરપકડ કરાઈ નથી અને પોલીસે એની સામે કોઈ આરોપ પણ નોંધ્યો નથી. એની સામેની ફરિયાદના મામલે એને પૂછપરછ માટે અટકમાં લેવામાં આવી છે. પૂછપરછ પૂરી થયા બાદ પોલીસ નક્કી કરશે કે એની ધરપકડ કરવી કે નહીં.
ઉલ્લેખનીય છે કે રાખી સાવંત પર આરોપ છે કે એણે અમુક દિવસો પહેલાં એક મહિલા મોડેલનો વાંધાજનક વીડિયો અને ફોટો બનાવ્યો હતો અને ઓનલાઈન મૂક્યો હતો. રાખી સાથે થોડાક દિવસો અગાઉ જેને ઝઘડો થયો હતો તે શર્લિન ચોપરાએ આજે ટ્વીટ કર્યું હતું કે રાખીની ધરપકડ કરવામાં આવી છે. રાખી સામે નોંધવામાં આવેલી એફઆઈઆર ફરિયાદનો નંબર પણ એણે ટ્વીટમાં બતાવ્યો છે. એણે એવો દાવો કર્યો છે કે મુંબઈની એક કોર્ટે આગતરા જામીન અરજી નકારી કાઢ્યા બાદ અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી છે.
