હૈદરાબાદઃ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા તેલુગુ ફિલ્મ ‘પુષ્પા: ધ રાઈઝ’માં ભૂમિકા ભજવનાર અભિનેતા જગદીશ પ્રતાપ બંડારીની શહેરની પોલીસે આજે ધરપકડ કરી છે. તેની પર આરોપ છે કે એણે તેની ગર્લફ્રેન્ડ, જે એક જુનિયર આર્ટિસ્ટ હતી, તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી હતી. યુવતીએ ગઈ 29 નવેમ્બરે આત્મહત્યા કરી હતી. તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો યુવતીનાં પરિવારજનોએ જગદીશ પર આરોપ મૂક્યો છે. પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે જગદીશની ધરપકડ કરી છે.
અહેવાલ અનુસાર, પોલીસ તપાસમાં એવું માલૂમ પડ્યું છે કે જગદીશ અને તે યુવતી લિવ-ઈન રિલેશનશિપમાં હતાં. જગદીશે એક વીડિયો બનાવ્યો હતો અને તેના દ્વારા એ પેલી યુવતીને બ્લેકમેલ કરતો હતો. એણે યુવતીને ધમકી આપી હતી કે પોતે એની ખાનગી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરશે. એને પગલે યુવતીએ પોતાનું જીવન ટૂંકાવી દેવાનું અંતિમ પગલું ભર્યું હતું. યુવતીનાં મૃત્યુ બાદ જગદીશ ફરાર થઈ ગયો હતો. આખરે પોલીસે એને પકડી લીધો છે.
જગદીશની ધરપકડ અંગે જગદીશ તથા એના મિત્રએ હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.
‘પુષ્પા’ ફિલ્મમાં જગદીશે અલ્લૂ અર્જુનના પાત્રના જમણા હાથ સમાન મિત્ર કેશવની ભૂમિકા ભજવી હતી. આખી ફિલ્મમાં એ અનેક વાર અલ્લૂ અર્જુન સાથે જોવા મળ્યો હતો.