પીઢ કોમેડિયન જુનિયર મેહમૂદ (67)નું કેન્સરની બીમારીને કારણે નિધન

મુંબઈઃ હિન્દી ફિલ્મોના જાણીતા કોમેડિયન જુનિયર મેહમૂદનું પેટના કેન્સરની બીમારીને કારણે આજે વહેલી સવારે અહીં બાન્દ્રા ઉપનગરમાં નિધન થયું છે. એમનું ખરું નામ નઈમ સૈયદ હતું. તેઓ 67 વર્ષના હતા. જુનિયર મેહમૂદના પરિવારના એક મિત્રએ નિધનના સમાચાર આપ્યા હતા. એમણે કહ્યું, ‘જુનિયર મેહમૂદે ગઈ મધરાતે લગભગ બે વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો. એમને ચોથા તબક્કાનું કેન્સર થયું હતું અને છેલ્લા કેટલાક દિવસોથી એમની તબિયત લથડી ગઈ હતી. છેલ્લા બે મહિનામાં એમની તબિયત વધારે બગડી હતી. એમના શરીરનું વજન ઓચિંતું ઘટવા લાગ્યું હતું. એમને લીવર, ફેફસાં અને આંતરડામાં કેન્સરની ગાંઠ થઈ હતી. વધુમાં એમને કમળો પણ થયો હતો. એમની દફનવિધિ આજે બપોરે સાંતાક્રુઝ ઉપનગરના કબ્રસ્તાનમાં કરવામાં આવશે.’ જુનિયર મેહમૂદના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે.

જુનિયર મેહમૂદ ‘બ્રહ્મચારી’, ‘કટી પતંગ’, ‘આન મિલો સજના’, ‘કારવાં’, ‘હાથી મેરે સાથી’, ‘નદિયા કે પાર’, ‘બાલિકા બધૂ’, ‘મેરા નામ જોકર’, ‘પરવરિશ’, ‘દો ઔર દો પાંચ’ સહિત અનેક ફિલ્મોમાં સગીર વયના બાળકની કોમેડી ભૂમિકા કરવા માટે પ્રખ્યાત થયા છે. એમણે હિન્દી ઉપરાંત મરાઠી તથા અન્ય ભાષાઓની ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. એમણે 200થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. બે હિન્દી ટીવી સિરિયલમાં પણ એમણે કામ કર્યું હતું.