પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ-બાયોમાં પતિ-નિકની અટક-હટાવી દેતાં અફવાબજાર ગરમ

ન્યૂયોર્કઃ બોલીવુડ અભિનેત્રી અને વૈશ્વિક સ્તરની હસ્તી બની ગયેલી પ્રિયંકા ચોપરા અમેરિકાના ગાયક નિક જોનસને પરણી છે. સોશિયલ મિડિયા પર આ દંપતીનાં લાખો ચાહકો છે. બંને જણ સોશિયલ મિડિયા પર સક્રિય રહે છે અને અવારનવાર એકબીજાંની રોમેન્ટિક તસવીરો સાથેની પોસ્ટ શેર કરતાં રહે છે. પરંતુ, ગઈ કાલે પ્રિયંકાએ એક એવી હરકત કરી જેને કારણે એનાં પ્રશંસકો ચિંતામાં આવી પડ્યાં છે. પ્રિયંકાએ પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની બાયોમાંથી પતિની અટક જોનસને હટાવી દીધી છે. આને કારણે કેટલાંક પ્રશંસકો-ઈન્ટરનેટ યૂઝર્સ પરેશાન થઈ ગયાં છે અને એવી અટકળો વ્યક્ત કરી છે કે શું પ્રિયંકા-નિક વચ્ચેનાં સંબંધમાં ભંગાણ પડ્યું છે? બેઉ જણ છૂટાછેડા લેશે?

પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની બાયોમાં ફરી પોતાનું નામ પ્રિયંકા ચોપરા કરી દીધું છે. એને કારણે પ્રશંસકો તરફથી પ્રત્યાઘાત આવ્યા છે. હજી થોડા જ દિવસો પહેલાં પ્રિયંકા અને નિકે એમનાં લોસ એન્જેલીસમાંના ઘેર દિવાળીનો તહેવાર ભારતીય પરંપરાનુસાર ઉજવ્યો હતો. પ્રિયંકા અને નિક જોનસે 2018ની 1 ડિસેમ્બરે જોધપુરના ઉમેદ ભવન મહેલમાં ભવ્ય રીતે લગ્ન કર્યાં હતાં. બંનેએ હિન્દુ તથા ખ્રિસ્તી, એમ બંને પરંપરા મુજબ લગ્ન કર્યાં હતાં. એ વખતે બંનેનાં પરિવારજનો, સગાંસંબંધી અને નિકટનાં મિત્રો હાજર રહ્યાં હતાં. લગ્ન બાદ પ્રિયંકાએ સોશિયલ મિડિયા પર પોતાની ચોપરા અટકની સાથે જોનસનો પણ ઉમેરો કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]