શિમલા હેરિટેજ રેલવે સ્ટેશને સુરક્ષા મજબૂત બનાવાઈ

શિમલાઃ ત્રાસવાદી સંગઠનો તરફથી હુમલાની ધમકી મળ્યા બાદ હિમાચલ પ્રદેશના સત્તાવાળાઓએ પર્યટન સ્થળ શિમલાના હેરિટેજ રેલવે સ્ટેશન ખાતે સુરક્ષા બંદોબસ્ત વધારે મજબૂત બનાવી દીધો છે. ત્રાસવાદી સંગઠનો તરફથી હુમલાની ધમકીઓ આપવામાં આવી હતી. એમાં ભારતના અમુક મંદિરો અને રેલવે સ્ટેશનોના નામ આપવામાં આવ્યા હતા. આમાં શિમલા રેલવે સ્ટેશનનું પણ નામ છે. શિમલામાંના રેલવે સત્તાધીશોએ આ ધમકીને ગંભીરતાથી લીધી છે અને રાજ્યની પોલીસને સતર્ક કરી દીધી હતી. તેને પગલે હેરિટેજ સ્ટેશન ખાતે સલામતી વ્યવસ્થા વધારે મજબૂત બનાવી દેવાઈ છે. ગવર્મેન્ટ રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ સહિતના સુરક્ષા દળોને સતર્ક કરી દેવાયા છે. શિમલા હેરિટેજ રેલવે સ્ટેશનમાં સ્થાનિક પોલીસોને પણ ગોઠવી દેવામાં આવ્યા છે. સ્ટેશન ખાતે આવતી દરેક ટ્રેનમાંના પ્રવાસીઓનું અને એમનાં સામાનનું કડક ચેકિંગ કરાય છે.

ભારતીય રેલવેનો કાલકા-શિમલા રેલવે વિભાગ દેશી-વિદેશી પર્યટકોમાં અત્યંત લોકપ્રિય અને આકર્ષણનું કેન્દ્ર છે. આ રૂટ પરની ટોય ટ્રેન 2 ફૂટ-6 ઈંચની નેરો-ગેજ લાઈન પર દોડાવાય છે. કાલકા-શિમલા રેલવે લાઈનને 2008માં યૂનેસ્કો સંસ્થાએ વૈશ્વિક મહત્ત્વ ધરાવતા ઐતિહાસિક સ્થળ તરીકે ઘોષિત કરી હતી. ત્યારબાદ અહીં પર્યટકોની અવરજવર અનેકગણી વધી ગઈ છે. કાલકા અને શિમલા વચ્ચેની ટ્રેન સફર દુનિયાભરના પર્યટકોમાં લોકપ્રિય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]