‘ગદર 2’ની સુપર સફળતાઃ પ્રિયંકા-નિક જોનસે દિગ્દર્શક અનિલ શર્માને અભિનંદન આપ્યાં

ન્યૂયોર્કઃ સની દેઓલ અને અમિષા પટેલ અભિનીત ‘ગદર 2’ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર રીતે સફળ થઈ છે. અનિલ શર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 2001માં આવેલી અને હિટ થયેલી ગદર ફિલ્મની સીક્વલ છે. અમેરિકન સિંગર નિક જોનસને પરણીને અમેરિકામાં સ્થાયી થયેલી બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ‘ગદર 2’ ફિલ્મની સફળતા બદલ અનિલ શર્માને અભિનંદન આપ્યાં છે. પ્રિયંકા અને તેનાં પતિ નિક જોનસે હસ્તલિખિત નોંધ મારફત શર્માને અભિનંદન આપ્યાં છે.

જોનસ દંપતીએ નોંધની સાથે શર્માને એક પુષ્પગૂચ્છ મોકલ્યો છે. નોંધમાં લખ્યું છેઃ ‘મુરબ્બી અનિલ સર, ‘ગદર 2’ની સુપર સફળતા માટે આપને અભિનંદન. ભાવિ યોજનાઓ માટે પણ શુભેચ્છા. પ્રિયંકા અને નિક.’

 

અનિલ શર્માએ આ શુભચેષ્ટા બદલ પ્રિયંકા અને નિકનો આભાર માન્યો છે. પ્રિયંકા હાલ અમેરિકામાં તેનાં અંગ્રેજી ફિલ્મ, ટીવી સીરિઝ પ્રોજેક્ટોમાં વ્યસ્ત છે.