કૃતિ સેનન બની નિર્માત્રી: ‘દો પત્તી’ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનને તેની આગામી ફિલ્મ ‘દો પત્તી’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે કાજોલ પણ અભિનય કરી રહી છે. કૃતિની નિર્માણ કંપનીનું નામ છે, ‘બ્લૂ બટરફ્લાઈ ફિલ્મ્સ’. ફિલ્મના શૂટિંગના સમાચાર કૃતિએ જ એનાં ઈન્સ્ટાગ્રામ મારફત આપ્યા છે. 33 વર્ષીય કૃતિનું કહેવું છે કે નિર્માત્રી તરીકેની ભૂમિકાને તે પોતાની અત્યાર સુધીની સૌથી પડકારજનક માને છે.

તેની ‘દો પત્તી’ ફિલ્મ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બનેલી એક રહસ્યમય થ્રિલર વાર્તા પર આધારિત છે. ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે શશાંક ચતુર્વેદી. કાજોલ અને કૃતિએ અગાઉ 2015માં આવેલી ‘દિલવાલે’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. ‘દો પત્તી’ ફિલ્મ ઓટીટી પ્લેટફર્મ પર રિલીઝ કરાશે અને તે માત્ર નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરાશે. કૃતિએ તેની ફિલ્મ નિર્માણ કંપની દિવંગત સહ-કલાકાર અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને અર્પણ કરી છે.