આજે ‘પદ્માવત’ રિલીઝ દિવસઃ પણ ગુજરાત સહિત ચાર રાજ્યોમાં રિલીઝ નહીં થાય

મુંબઈ – સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત અને દીપિકા પદુકોણ, રણવીર સિંહ, શાહિદ કપૂર અભિનીત બહુચર્ચિત હિન્દી ફિલ્મ ‘પદ્માવત’ આજે દુનિયાભરમાં રિલીઝ થઈ રહી છે. પરંતુ ફિલ્મ સામેના હિંસક વિરોધને કારણે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને બિહાર રાજ્યોમાં આ ફિલ્મ આજે રિલીઝ થશે નહીં.

આ ચાર રાજ્યોના મલ્ટીપ્લેક્સીસ તેમજ થિયેટરમાલિકો ‘પદ્માવત’ને રિલીઝ ન કરવા મક્કમ છે.

મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ ઉપરાંત દક્ષિણ ભારતના પાંચ રાજ્યો સહિત અન્ય તમામ ભાગોમાં થિયેટરમાલિકોએ ‘પદ્માવત’ને રિલીઝ કરવાનું નક્કી કર્યું છે.

હિન્દી ફિલ્મો માટે મોટી ટેરિટરી ગણાતા ઉત્તર પ્રદેશમાં થિયેટરમાલિકો આ ફિલ્મને રિલીઝ કરવાના મુદ્દે અવઢવમાં છે.

દેશમાં લગભગ 75 ટકા મલ્ટીપ્લેક્સીસ માલિકોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા મલ્ટીપ્લેક્સ એસોસિએસન ઓફ ઈન્ડિયાનું કહેવું છે કે રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને બિહારમાં ‘પદ્માવત’ રિલીઝ કરવામાં નહીં આવે.

ગોવા રાજ્યના મલ્ટીપ્લેક્સ માલિકો પણ આ ફિલ્મને રિલીઝ કરવાના મામલે ચિંતામાં છે.

ભણસાલીની આ ફિલ્મ સામેનો વિરોધ ખતમ થવાનું નામ લેતો નથી. શ્રી રાજપૂત કરણી સેના સંગઠને આ ફિલ્મ સામે જોરદાર વિરોધ ઉઠાવ્યો છે અને તેના કાર્યકર્તાઓ, સમર્થકોએ રસ્તાઓ પર ઉતરીને ઠેકઠેકાણે ભારે તોડફોડ કરી છે.

જે રાજ્યોમાં આ ફિલ્મ આજથી રિલીઝ થઈ રહી છે તે થિયેટરો, મલ્ટીપ્લેક્સીસની બહાર પણ પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.