લોસ એન્જેલીસ – દક્ષિણ કોરિયન ફિલ્મ ‘પેરાસાઈટ’ 92મા એકેડેમી એવોર્ડ્સ સમારોહમાં ચમત્કાર સર્જી દીધો. એણે શ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કર એવોર્ડ જીતીને ઈતિહાસ રચી દીધો, કારણ કે આંતરરાષ્ટ્રીય મનોરંજન જગતનો આ સર્વોચ્ચ એવોર્ડ જીતનાર એ પહેલી બિન-અંગ્રેજી ફીચર ફિલ્મ બની છે.
રવિવારે રાતે અહીંના ડોલ્બી થિયેટરમાં આયોજિત એવોર્ડ સમારંભમાં ‘પેરાસાઈટ’ છવાઈ ગઈ હતી, કારણ કે એના દિગ્દર્શક બોન્ગ જૂન-હોને શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો અને આ જ ફિલ્મે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મની કેટેગરીમાં પણ એવોર્ડ જીત્યો હતો.
શ્રેષ્ઠ ફિલ્મના ઓસ્કર માટે અન્ય દાવેદાર ફિલ્મો આ હતીઃ ફોર્ડ વર્સીસ ફેરારી, ધ આઈરિશમેન, જોજો રેબિટ, જોકર, લીટલ વીમેન, મેરેજ સ્ટોરી, 1917, વન્સ અપોન અ ટાઈમ ઈન હોલીવૂડ.
શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ લેવા માટે બોન્ગ જૂન-હો તથા એમની સમગ્ર ટીમ સ્ટેજ પર ઉપસ્થિત થઈ હતી.
દર્શકોએ એમની સીટ પરથી ઊભા થઈને તાળીઓના ગડગડાટ સાથે આ ટીમનું અભિવાદન કર્યું હતું.
એવોર્ડ માટે ધન્યવાદનું ભાષણ થોડુંક લાંબું ચાલ્યું હતું અને એમને સ્ટેજ પરથી ઉતારવા માટે સંગીત વગાડવું પડ્યું હતું.
જોકે હોલીવૂડ સ્ટાર ટોમ હેન્ક્સ સહિત ઘણા લોકોએ લાંબા સમય સુધી તાળીઓ પાડવાનું ચાલુ જ રાખ્યું હતું.
જોક્વિન ફીનિક્સ શ્રેષ્ઠ અભિનેતા, રેની ઝેલવેગર શ્રેષ્ઠ અભિનેત્રી
દરમિયાન, આ વર્ષનો બેસ્ટ એક્ટર માટેનો ઓસ્કર એવોર્ડ જોક્વિન ફીનિક્સે જીત્યો હતો. ‘જોકર’ ફિલ્મમાં કરેલી ભૂમિકા બદલ એમને આ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
આ કેટેગરીમાં એડમ ડ્રાઈવર (મેરેજ સ્ટોરી), લિયોનાર્ડો કેપ્રિયો (વન્સ અપોન અ ટાઈમ ઈન હોલીવૂડ), એન્ટોનિયો બેન્ડેરસ (પેઈન એન્ડ ગ્લોરી), જોનાથન પ્રાઈસ (ધ ટૂ પોપ્સ) સ્પર્ધામાં હતા.
જોક્વિન ફીનિક્સનો કારકિર્દીનો આ પહેલો જ ઓસ્કર એવોર્ડ છે. એમણે એવોર્ડ સ્વીકારતી વખતે એમના ગીતકાર દિવંગત ભાઈ રિવરને યાદ કર્યા હતા.
ફીનિક્સે પોતાના સંક્ષિપ્ત ભાષણમાં અન્યાય વિશે વાત કરી હતી.
રેની ઝેલવેગરને ‘જૂડી’ ફિલ્મમાં કરેલી ભૂમિકા માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
‘જૂડી’ ફિલ્મ જાણીતા અભિનેત્રી અને ગાયિકા જૂડી ગારલેન્ડની બાપોપિક છે.
શ્રેષ્ઠ અભિનેત્રીની કેટેગરીમાં રેની સામે હરીફાઈમાં હતી – સિન્થીયા એરીવો (હેરિએટ), સ્કાર્લેટ જોહાન્સન (મેરેજ સ્ટોરી), સાઈઓર્સ રોનેન (લીટલ વીમેન), ચાર્લીઝ થેરોન (બોમ્બશેલ).
સ્ટેજ પર એવોર્ડ સ્વીકારતી વખતે રેની ઝેલવેગરે કહ્યું કે, ‘વીતી ગયેલું વર્ષ બહુ સરસ અને યાદગાર રહ્યું. જેણે અમને કલાકારોએ એકત્રિત રાખ્યા.’
‘જૂડી’ ફિલ્મમાં જૂડી ગારલેન્ડની જિંદગીના આખરી વર્ષમાં સફરને દર્શાવવામાં આવી છે. જ્યારે જૂડી એમની રંગભૂમિની કારકિર્દી માટે બ્રિટન જતી રહે છે. ફિલ્મમાં જૂડીની આરંભિક સફળતાને પણ દર્શાવવામાં આવી છે જ્યારે એમનું સ્વાસ્થ્ય ખરાબ થઈ જાય છે.
શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકેનો એવોર્ડ બ્રેડ પિટે ‘વન્સ અપોન અ ટાઈમ ઈન હોલીવૂડ’ ફિલ્મમાં કરેલી ભૂમિકા માટે જીત્યો છે જ્યારે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો ઓસ્કર લૌરા ડર્ને ‘મેરેજ સ્ટોરી’ ફિલ્મનાં રોલ માટે મેળવ્યો છે.