‘કભી ઈદ કભી દિવાલી’માં સલમાનની હિરોઈન બનશે પૂજા હેગડે

મુંબઈ – સલમાન ખાન અભિનીત અને નિર્મિત આગામી નવી હિન્દી ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’માં એની હિરોઈન તરીકે પૂજા હેગડે ચમકશે.

પૂજાએ કહ્યું છે કે પોતે સુપરસ્ટાર સલમાન સાથે કામ કરવા ખૂબ ઉત્સૂક છે.

પૂજાએ એના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, 2020નું વર્ષ મારે માટે ધમાકેદાર શરૂઆતવાળું રહ્યું છે… સલમાન ખાન સાથે કરવા હું ખૂબ આતુર બની છું.

સાજિદ નડિયાદવાલા ‘કભી ઈદ કભી દિવાલી’નું નિર્માણ કરી રહ્યા છે. એમણે પૂજા સાથે ‘હાઉસફૂલ 4’માં કામ કર્યું હતું અને ‘કભી ઈદ કભી દિવાલી’ની હિરોઈન તરીકે એ પરફેક્ટ છે એવું તેમને જણાયું છે. એ સલમાન ખાન સાથે સરસ જોડી બનાવશે એવું પણ નડિયાદવાલાનું કહેવું છે.

સલમાન ખાન ઈદના તહેવારમાં પોતાની ફિલ્મ રિલીઝ કરવા માટે જાણીતો છે. એણે ઈદમાં રિલીઝ કરેલી એની પહેલી ફિલ્મ હતી ‘જુડવા’.

નડિયાદવાલાએ કહ્યું કે ‘કભી ઈદ કભી દિવાલી’માં સલમાન ખાન એકદમ જુદા જ સ્વરૂપમાં જોવા મળશે. એના લૂક વિશે હાલ ચર્ચા ચાલી રહી છે. પૂજા એમાં સલમાનના પાત્રની પ્રેમિકા બનશે, જે એક નગરની પરંપરાગત પરિવારની છોકરીનો રોલ કરશે.

‘કભી ઈદ કભી દિવાલી’ 2021ની ઈદમાં રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન ફરહાદ સામજી કરશે.