થપ્પડ મારતા નાના પાટેકરનો વીડિયો રીયલ નથી: દિગ્દર્શક અનિલ શર્મા

મુંબઈઃ હિન્દી અને મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા નાના પાટેકરને સેલ્ફી લેવા માગતા એક પ્રશંસકને માથામાં થપ્પડ મારતા દર્શાવતો એક વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થતા નેટયૂઝર્સમાં ખળભળાટ મચી ગયો છે, પરંતુ ગદર 2ના નિર્માતા-દિગ્દર્શક અનિલ શર્માએ કહ્યું છે કે, આ વીડિયો રીયલ નથી, પરંતુ એમની ફિલ્મનું એક દ્રશ્ય છે. શર્માએ ખુલાસો કર્યો છે કે, ‘વીડિયોમાં દર્શાવાયું છે તેમ પાટેકરે કોઈને થપ્પડ મારી નથી, પરંતુ એમની ફિલ્મ ‘જર્ની’નું એક દ્રશ્ય છે. અમે બનારસમાં ફિલ્મનું શૂટિંગ કરતા હતા. એક દ્રશ્ય એવું છે કે એક રસ્તા પર એક છોકરો પાટેકરની નજીક જાય છે ત્યારે નાના એને માથામાં ફટકારે છે. તે શૂટિંગનો એક હિસ્સો હતું, પણ ત્યાં એકત્ર થયેલા લોકોના ટોળામાંના કેટલાકે એ દ્રશ્યને એમના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી લીધું હતું અને પછી ઈન્ટરનેટ-સોશિયલ મીડિયા પર લીક કરી દીધું. હવે પાટેકરને નકારાત્મક તરીકે અને ઉદ્ધત અભિનેતા તરીકે ગણવામાં આવ્યા છે, જે સદંતર ખોટું છે.’

નિર્માતા-દિગ્દર્શક અનિલ શર્મા

વીડિયો પરથી એવું જણાય છે કે તે પ્રશંસક યુવક પાટેકર સાથે સેલ્ફી લેવા માગતો હતો, પણ પાટેકર ભડકી જાય છે અને એને મારી દે છે. આવા ઉદ્ધત અને અપમાનજનક વ્યવહાર બદલ ઈન્ટરનેટ પર નાના પાટેકરની ટીકા થઈ રહી છે. ભૂતકાળમાં પ્રશંસકો પર હુમલો કરવા બદલ કેટલાક અભિનેતાઓ કાનૂની મુસીબતમાં ફસાયા હતા.

72 વર્ષીય નાના પાટેકરને સંડોવતો બનાવ વારાણસીમાં બન્યો હોવાનું કહેવાય છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પાટેકર ત્યાં એક આગામી ફિલ્મના શૂટિંગ માટે ગયા છે. ઈન્ટરનેટ પર કેટલાકે પાટેકરની તરફેણ કરી છે અને લખ્યું છે કે પાટેકરે ઉગ્ર પ્રતિક્રિયા બતાવી છે એ ખરું, પણ તે યુવકે શૂટિંગમાં ખલેલ પહોંચાડી હતી એટલે પાટેકરને ગુસ્સો આવે એ સહજ વાત હતી.

ગોવિંદાને રૂ. પાંચ લાખનો દંડ કરાયો હતો

2008માં અભિનેતા ગોવિંદા આવી જ એક સમસ્યામાં ફસાયો હતો. મુંબઈના ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં તે હિન્દી ફિલ્મ ‘મની હૈ તો હની હૈ’નું શૂટિંગ કરતો હતો ત્યારે ગુસ્સામાં આવીને સંતોષ રાય નામના એક પ્રશંસકને તમાચો મારી દીધો હતો. સંતોષે 2009ના ફેબ્રુઆરીમાં પોલીસમાં ગોવિંદા સામે ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં મુંબઈ હાઈકોર્ટમાં અપીલ પણ કરી હતી. તેણે એવો આક્ષેપ કર્યો હતો કે પોલીસ તંત્ર એની ફરિયાદ નોંધતું નથી. હાઈકોર્ટે સંતોષની અપીલને ફગાવી દીધી હતી. એટલે સંતોષ 2017માં સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે તેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને ગોવિંદાને આદેશ આપ્યો હતો કે તે સંતોષની બિનશરતી માફી માગે અને એને વળતર પેટે પાંચ લાખ રૂપિયા ચૂકવે. તેથી હવે જો નવા કિસ્સામાં યુવક પોલીસમાં ફરિયાદ નોંધાવશે તો નાના પાટેકર માટે કાનૂની મુસીબત ઊભી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ક્રાંતીવીર ફિલ્મમાં નાના પાટેકરનો જ એક ડાયલોગ છે – ‘સર કે પીછે નહીં મારના, યહાં દિમાગ હોતા હૈ.’