‘ગંગૂબાઈ કાઠિયાવાડી’: આલિયા, ભણસાલીને મુંબઈની કોર્ટનું સમન્સ

મુંબઈઃ આગામી હિન્દી ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ સંબંધિત એક કથિત માનહાનિ કેસના સંબંધમાં અહીંના મઝગાંવ ઉપનગરની એક મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ફિલ્મની અભિનેત્રી આલિયા ભટ્ટ અને નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણસાલી તથા બે લેખકને હાજર થવા માટે સમન્સ મોકલ્યું છે. ભણસાલી, આલિયા ઉપરાંત બે લેખક એસ. હુસૈન ઝૈદી, જેન બોર્જિસ, ભણસાલી પ્રોડક્શન્સ પ્રા.લિ.ને પણ કોર્ટે સમન્સ મોકલ્યું છે અને 21 મે પહેલાં હાજર થવાનું ફરમાન કર્યું છે. પોતાને ગંગૂબાઈ કાઠિયાવાડીનો પુત્ર ગણાવનાર બાબુજી રાવજી શાહ નામના એક 74-વર્ષીય નાગરિકે આ કોર્ટ કેસ કર્યો છે.

એસ. હુસૈન ઝૈદીએ લખેલા પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ને આધાર લઈને ભણસાલીએ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ બનાવી છે. જે આ વર્ષની 30 જુલાઈએ રિલીઝ કરવાનું નિર્ધારિત કરાયું છે. ગંગૂબાઈ નામની એક છોકરી એક સદ્ધર પરિવારની હતી, પરંતુ એનો પ્રેમી એને મુંબઈ લાવીને ફસાવી દે છે અને એક વેશ્યાવાડાને વેચી દે છે. ગંગૂબાઈ જીવનના વળાંક તરીકે ગણીને કોઠેવાલી બની જાય છે. એનાં ગ્રાહકોમાં ઘણા અંડરવર્લ્ડવાળા પણ હોય છે જેની સંગતથી ગંગૂબાઈ કમાઠીપૂરા વિસ્તારની માફિયા ક્વીન બની જાય છે. ફરિયાદી શાહનો આરોપ છે કે પુસ્તકમાં તેમજ ફિલ્મમાં એની માતાને વેશ્યા તરીકે બતાવવામાં આવી છે. વધુમાં એને એક વેશ્યાવાડાની માલિકણ અને માફિયા ક્વીન પણ બતાવવામાં આવી છે. આ બધાથી તેની મૃતક માતા અને પોતાના પરિવારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે.