મુંબઈઃ ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર વિકાસ દુબેનો રાજ્યના પોલીસ અધિકારીઓની એક ટૂકડીએ ખાત્મો કર્યો છે. ખૂંખાર અપરાધીને એક કથિત એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હોવાના સમાચાર છે. આ અપરાધીના જીવન પર જો હિન્દી ફિલ્મ બનાવવામાં આવે તો પોતે વિકાસનો રોલ કરવા તૈયાર છે એવું બોલીવૂડ અભિનેતા મનોજ બાજપાઈનું કહેવું છે.
વાસ્તવમાં, વિકાસ દુબે ઉપર બોલીવૂડ ફિલ્મ બનવાની શક્યતા વિશે ઈન્ટરનેટ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
નિર્માતા સંદીપ કપૂરે એવું સૂચન કર્યું છે કે ગેંગસ્ટર વિકાસ દુબેનો રોલ મનોજ બાજપાઈ ભજવે એવી ફિલ્મ બનાવવી જોઈએ.
કપૂરે એક ટ્વીટમાં લખ્યું છે કે, આજે થયેલા એન્કાઉન્ટરમાં જે બન્યું તે ફિલ્મી અને નાટકીય સ્ટાઈલથી પણ અલગ પ્રકારનું હતું. મનોજ બાજપાઈ તને તારી નવી ફિલ્મમાં વિકાસ દુબેનો રોલ કરવાનું ગમશે કે? તું એ રોલમાં એકદમ બરાબર જામીશ.
એના પ્રતિસાદમાં મનોજ બાજપાઈએ જણાવ્યું છે કે, એ રોલ હું કરું એવી ઘણા લોકો ચર્ચા કરી રહ્યા છે એવું મેં સાંભળ્યું છે. જો પાત્ર અને પટકથા સરસ હોય તો મને કોઈ પણ રિયલ લાઈફ પાત્ર ભજવવામાં મજા આવે. જે વ્યક્તિની વાત થાય છે એનું જીવન ઘણું જ નાટ્યાત્મક હતું અને એના જીવનને મોટા પડદા પર લાવવું ઘણું રસપ્રદ બનશે. જોઈએ શું થાય છે તે. મને એ રોલ ભજવવાનું ગમશે.
કહેવાય છે કે સંદીપ કપૂરે ગેંગ્સટર વિકાસ દુબેની બાયોપિક બનાવવા માટેના હક મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
મનોજ બાજપાઈ હાલ ભોસલે ફિલ્મમાં જોવા મળ્યો છે. એ ફિલ્મમાં એકલતામાં જીવન જીવતા એક વ્યક્તિ વિશેની વાર્તા છે. ફિલ્મમાં બાજપાઈએ એક પોલીસ કોન્સ્ટેબલનો રોલ કર્યો છે જે સ્થાનિક નેતાઓ સામે જંગે ચડેલા પરપ્રાંતિય લોકોને મદદ કરે છે. ફિલ્મમાં સંતોષ જુવેકર અને ઈપ્શીતા ચક્રવર્તિ પણ છે.
વિકાસ દુબેનું નામ દેશભરમાં ત્યારે ચમક્યું હતું જ્યારે કાનપુરમાં એને પકડવા માટે પોલીસોની એક ટૂકડી એના ઘેર પહોંચી હતી ત્યારે દુબે અને એના સાથીઓએ પોલીસો પર ગોળીબાર કર્યો હતો. એ હુમલામાં આઠ પોલીસો શહીદ થયા હતા. દુબે ત્યાંથી ભાગી છૂટવામાં સફળ થયો હતો.
9 જુલાઈના ગુરુવારે એ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાંથી પકડાયો હતો. ઉજ્જૈન પોલીસે બાદમાં દુબેનો હવાલો ઉ.પ્ર. પોલીસને સોંપી દીધો હતો. ઉ.પ્ર.ના પોલીસો દુબેને કારમાં બેસાડીને 9મીની સાંજે કાનપુર માટે રવાના થયા હતા, પણ પોલીસના દાવા મુજબ, શુક્રવારે સવારે લગભગ 6.15 વાગ્યે કાનપુરની હદની બહારના એક વિસ્તારમાં પોલીસ કાર ઊંધી વળી ગઈ હતી. દુબે એનો લાભ લઈને પોલીસ જવાનની પિસ્તોલ લઈને ભાગી છૂટ્યો હતો. પોલીસોએ એનો પીછો કર્યો હતો તો દુબેએ એમની પર ગોળીબાર કર્યો હતો. પોલીસોએ વળતો ગોળીબાર કરતાં દુબે ઠાર મરાયો હતો.