અમિતાભ, અભિષેક બચ્ચન કોરોના પોઝિટીવ; હોસ્પિટલમાં તબિયત સારી છે

મુંબઈઃ હિન્દી ફિલ્મોના દંતકથા સમાન અભિનેતા અમિતાભ બચ્ચનનો કોરોના વાઈરસનો રિપોર્ટ ગઈ કાલે પોઝિટીવ આવ્યો છે અને એમને વિલે પારલે (વેસ્ટ) ઉપનગરની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એમની સાથે એમના અભિનેતા પુત્ર અભિષેક બચ્ચન પણ કોવિડ-19થી ચેપગ્રસ્ત હોવાનું માલુમ પડ્યું છે.

નાણાવટી હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું છે કે બચ્ચન પિતા-પુત્ર સ્વસ્થ છે. બંનેને થોડોક તાવ અને શરદી છે. એમને આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

દરમિયાન, મેગાસ્ટાર બચ્ચન જલદી સાજા થઈ જાય એ માટે સમગ્ર દેશ શુભેચ્છા વ્યક્ત કરી રહ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને પણ ટ્વીટ કરીને કહ્યું છે કે, ‘તમે જલદી સાજા થઈ જાવ એવી અમે સૌ શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ.’ આવી જ શુભેચ્છા અન્ય કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પણ કરી છે.

અમિતાભના પત્ની જયા બચ્ચન, પુત્રવધુ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યાનો પણ કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો છે. એન્ટિજન ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, આખરી સ્વેબ રિપોર્ટ આજે આવશે.

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ એક વિડિયો નિવેદનમાં જણાવ્યું છે કે બચ્ચન પિતા-પુત્રની તબિયત સ્થિર છે. ગઈ રાતે એમને સારી ઊંઘ થઈ હતી અને સારવારમાં પ્રતિસાદ પણ સારો આપ્યો છે. અન્ય પરિવારજનોના પણ કોરોના ટેસ્ટ લેવામાં આવ્યા છે એના રિપોર્ટ્સ આજે આવશે.

બચ્ચન પરિવારના બંગલા જલસાને પણ સેનિટાઈઝ કરવામાં આવશે.

હોસ્પિટલના જનસંપર્ક અધિકારીએ કહ્યું કે અમિતાભને કોરોના વાઈરસના હલકા લક્ષણો છે.

પોતાને કોરોના થયો હોવાની જાણકારી અમિતાભ બચ્ચને જ ખુદ ગઈ કાલે મોડી રાતે ટ્વિટર મારફત આપી હતી.

એમણે લખ્યું હતું કે મારો કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. હું હોસ્પિટલમાં શિફ્ટ થઈ ગયો છું. હોસ્પિટલ તરફથી સત્તાધીશોને જાણ કરવામાં આવી છે. મારા પરિવારજનો, સ્ટાફની પણ ટેસ્ટ લેવાઈ છે. પરિણામની રાહ જોવાય છે.

અમિતાભ બચ્ચને એમ પણ કહ્યું છે કે, છેલ્લા 10 દિવસમાં મારા સંપર્કમાં આવેલા તમામને વિનંતી છે કે તેઓ પણ કૃપા કરીને કોરોના ટેસ્ટ કરાવી લે.