લતા મંગેશકરની તબિયત સુધરતાં હોસ્પિટલમાંથી ઘેર પાછાં ફર્યાં

મુંબઈ – દંતકથાસમાન ગાયિકા અને ‘ભારત રત્ન’થી સમ્માનિત લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતાં ગઈ મધરાતે લગભગ 1.30 વાગ્યે એમને અહીંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દક્ષિણ મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સાંજે 4.30 વાગ્યાની આસપાસ એમની તબિયત સુધરતાં એમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને એ પોતાને ઘેર પાછાં ફર્યાં હતાં.

એક અન્ય સમાચાર મુજબ, લતાજીની તબિયત નાજુક હતી અને એમને આઈસીયૂમાં રાખવામાં આવ્યાં હતાં.

લતા મંગેશકરે ગઈ 28 સપ્ટેંબરે 90મી વર્ષગાંઠ ઉજવી હતી.

લતા મંગેશકરે માત્ર હિન્દી ભાષામાં જ 5 હજાર જેટલા ગીતો ગાયા છે. એમણે ભારતની 20થી વધારે ભાષાઓમાં હજારો જેટલા ગીતો ગાયા છે.

એમનો જન્મ 1929ની 28 સપ્ટેંબરે થયો હતો.

લતાજીનાં અસંખ્ય ગીતો લોકજીભે થયા છે. એમાંના અમુક આ છેઃ ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા’ (મુગલે આઝમ – 1960), ‘અજીબ દાસ્તાં હૈ યે’ (દિલ અપના ઔર પ્રિત પરાઈ – 1960), ‘રંગીલા રે’ (પ્રેમ પૂજારી – 1970), ‘જિયા જલે’ (દિલ સે) વગેરે.