પાછી આવી રહી છે શિવાની રોય… રાનીની ‘મર્દાની 2’નું ટ્રેલર રિલીઝ

મુંબઈ – અભિનેત્રી રાની મુખરજીને ગુનેગારોનાં રૂંવાડા ઊભાં કરી દેતી બહાદુર પોલીસ ઓફિસર શિવાની રોયનાં રોલમાં ચમકાવતી ‘મર્દાની 2’ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર જ થ્રિલિંગ છે તો ફિલ્મ ચોક્કસ હશે એમાં કોઈ શંકા નથી. ટ્રેલરમાં શિવાની (રાની)ને એનાં કોટા શહેરમાં શ્રેણીબદ્ધ બળાત્કારના ગુનેગારને પકડવા માટે સંઘર્ષ કરતી બતાવવામાં આવી છે.

રાની 2014માં ‘મર્દાની’ ફિલ્મમાં ચમકી હતી જેમાં એને માનવ હેરાફેરીની ગેરપ્રવૃત્તિ કરતી ટોળકીને ધ્વસ્ત કરતી બતાવવામાં આવી હતી. એ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી અને પોલીસ ઓફિસર શિવાની રોય તરીકેની એની ભૂમિકા અને અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

હવે એ પાછી ફરી છે. ‘મર્દાની 2’ ફિલ્મમાં વધારે મોટી અને વધારે મહત્ત્વની વાર્તા છે. નવી ફિલ્મની વાર્તામાં ગુનેગાર છોકરો એની વીસીની વયના આરંભમાં હોય છે જે છોકરીઓ પર બળાત્કાર કરે છે, એમની પર અમાનુષી જુલમ કરે છે અને હત્યા કરે છે.

શિવાની અને એની તપાસ ટૂકડીને કેસમાં આગળ વધતા રોકવા માટે ગુનેગાર પ્રયાસો કરે છે. એક સ્ત્રી પર અત્યાચાર કર્યા બાદ એની હત્યા કરી, એનાં મૃતદેહને લટકાવી દે છે એટલું જ નહીં, પણ મૃતકનાં ચહેરા પર શિવાનીનો ફોટો ચીટકાડી દે છે. પણ આનાથી ડરી જવાને બદલે ગુનેગારને રંગેહાથ પકડવાનો શિવાનીનો દ્રઢનિર્ધાર વધારે મજબૂત બને છે. તે ગુનેગારને કોલરથી ઢસડતી કોર્ટમાં લઈ જવાની ચેલેન્જ ફેંકે છે.

ટ્રેલરની નોંધપાત્ર વાત એ છે કે એમાં ખલનાયકનો ચહેરો જાહેર કરવામાં આવ્યો નથી. ટ્રેલરના અંતભાગમાં એની માત્ર ઝલક દેખાય છે.

ફિલ્મના અન્ય કલાકારો છે – શ્રુતિ બાપના, વિક્રમ સિંહ ચૌહાણ, રાજેશ શર્મા વગેરે. ખલનાયકનો રોલ ટેલિવિઝન અભિનેતા વિશાલ જેઠવાએ કર્યો છે.

ટ્રેલરમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને સિનેમેટોગ્રાફી અદ્દભુત છે. રાનીનો લુક પાવરફુલ છે.

ટ્રેલરની કેપ્શનમાં લખવામાં આવ્યું છે – ‘એ ફરી આવી ગઈ છે અને હવે એને કોઈ પણ અટકાવી શકવાનું નથી… એ છે શિવાની શિવાજી રોય… ફરી એક વાર આ ખેલ શરૂ થાય છે.

‘દો દિનોં મેં પકડેંગે સાલે કો’, શિવાનીનો આવો દમદાર ડાયલોગ પણ ટ્રેલરમાં સાંભળવા મળે છે.

ફિલ્મના પટકથા લેખક અને દિગ્દર્શક છે ગોપી પુથરન.

યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત ‘મર્દાની 2’ આવતી 13 ડિસેંબરે રિલીઝ કરવામાં આવનાર છે.

(જુઓ ‘મર્દાની-2’નું ટ્રેલર)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]