ચંદ્રયાન-3: ચંદ્ર પર લેન્ડિંગ માટે ફરીથી તૈયાર છે ઈસરો

નવી દિલ્હીઃ ભારતના ઐતિહાસિક ચંદ્ર મિશન ચંદ્રયાન-2 વિશે બધાને ખબર છે. 22 જુલાઈ 2019 ના રોજ લોન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન-2 મિશન અંતર્ગત ભારતને ચંદ્રના દક્ષિણી સપાટી પર લેન્ડર વિક્રમનું સોફ્ટ લેન્ડિંગ કરાવવાનું હતું. જો કે, અંતિમ ક્ષણોમાં લેન્ડરની ગતિ નિયંત્રિત ન થઈ શકવાના કારણે તે રસ્તો ભટકી ગયું અને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની જગ્યાએ તેનું હાર્ડ લેન્ડિંગ થયું. તેપણ પોતાના નિર્ધારિત સ્થાનથી આશરે 600 મીટર દૂર. ત્યારબાદ લેન્ડર સાથે ન તો સંપર્ક થઈ શક્યો અને ન તો તેણે કંઈ કામ કર્યું. જો કે હવે આ વાતને લઈને વધારે દુઃખી થવાની જરુર નથી પરંતુ ઈસરોએ હવે ફરીથી મહેનત કરવાનું વિચારી લીધું છે. પ્રાપ્ત વિગતો અનુસાર હવે જલ્દી જ ચંદ્રયાન-3 ને ચંદ્ર પર મોકલવામાં આવી શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઈસરો દ્વારા ચંદ્રયાન 3 ને ચંદ્રમા પર મોકલવાની સમય મર્યાદા નવેમ્બર 2020 નક્કી કરવામાં આવી છે. આના માટે ઈસરોએ ઘણી સમિતિઓ પણ બનાવી છે. આમાં એક પેનલ અને ત્રણ ઉપ સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું છે. તો આને લઈને ઓક્ટોબરથી ઓછામાં ઓછી ચાર ઉચ્ચ-સ્તરીય બેઠકો આયોજિત કરવામાં આવૂ ચૂકી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચંદ્રયાન-3 મિશનમાં માત્ર લેન્ડર અને રોવરનો સમાવેશ કરવામાં આવશે, કારણ કે ચંદ્રયાન-2 નું ઓર્બિટર હવે વધારે સારી રીતે કામ કરી રહ્યું છે અને ચંદ્રની કક્ષામાં પરિક્રમા કરતા તેના હાઈ રિઝોલ્યુશન ફોટોઝ કેપ્ચર કરીને ઈસરોને મોકલી રહ્યું છે.

તાજેતરમાં જ ચંદ્રયાન-3 માટે બનાવવામાં આવેલી કમિટીએ મંગળવારે બેઠક કરી હતી. આમાં તમામ સમિતિઓની ભલામણો પર ચર્ચા કરવામાં આવી. સંચાલન શક્તિ, સેન્સર, એન્જિનિયરિંગ અને નેવિગેશન પર ધ્યાન આપવામાં આવ્યું. એક વૈજ્ઞાનિકે કહ્યું કે આ કામ તેજીથી આગળ વધી રહ્યું છે. અત્યારસુધી ઈસરો મિશનના 10 મહત્વપૂર્ણ પહેલુઓને જોઈ રહ્યું છે, જેમાં લેન્ડિંગ સાઈટ, નેવિગેશન અને લોકલ નેવિગેશનનો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું કે પાંચ ઓક્ટોબરના રોજ નિર્દેશ આપતા એક અધિકારિક નોટિસ જાહેર કરી છે.

એક અન્ય વૈજ્ઞાનિકે કહ્યું કે નવા મિશન માટે સર્વોચ્ચ પ્રાથમિકતા લેન્ડરના પગ મજબૂત કરવાની છે. પ્રાપ્ત વિગતો અનુસાર એક નવું લેન્ડર અને રોવરનું નિર્માણ ઈસરો દ્વારા કરવામાં આવશે. લેન્ડર પર પેલોડની સંખ્યા પર કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]