બાપુનું તલગાજરડા જ્યારે આ દીકરીઓ માટે ‘બાપનું ઘર’ બન્યું

અમદાવાદઃ જ્યારે પણ એમ થાય કે ક્યાં જવું, તો અચકાયા વગર તલગાજરડા આવી જજો. આ તમારા બાપનું ઘર છે…..જાન્યુઆરી 2019ની 16મી તારીખે દેશના વિવિધ શહેરોમાંથી આવેલી ગણિકાઓને પૂ.મોરારીબાપુએ આ વાત કરી ત્યારે ત્યાં બેઠેલા સૌ કોઇની આંખ ભીની થઇ હતી. ડિસેમ્બર 2018માં માનસ ગણિકા કથા અયોધ્યા ખાતે કરી તે પહેલાં પણ મુંબઇના રેડલાઇટ એરિયામાં જઇને બાપુએ કહ્યું હતું કે દીકરીઓ બાપને મળવા જાય પણ આજે હું પિતા તરીકે તમને મળવા આવ્યો છું. હજી આ બધા શબ્દો વાતાવરણમાં પડઘાઇ રહ્યા છે ત્યાં જ આજે ચૌદમી નવેમ્બરે, કારતક વદ બીજના દિવસે તલગાજરડા ખાતે એવી ઘટના બની છે જે સમાજ અને ધર્મક્ષેત્રે અત્યંત નોંધપાત્ર છે. તલગાજરડામાં 22 દીકરીના લગ્ન એક મંડપ નીચે કરાયાં એમાં બે દીકરી ગણિકાની પુત્રીઓ હતી.

તલગાજરડામાં દર વર્ષે આ દિવસે સર્વ સમાજની દીકરીઓના લગ્ન મોરારીબાપુ પ્રેરિત ચિત્રકુટધામ ટ્રસ્ટ દ્વારા થાય છે. આ વર્ષે 22 દીકરી પરણી એમાં બે દીકરી ચાંદની અને રાધાના લગ્ન વિશિષ્ટ હતાં. બન્નેની માતા ગણિકા રહી ચૂકી છે. જેને સમાજ સતત ઉપેક્ષિત ગણે,એની સામે ત્રાંસી આંખે જ જુએ એવા પરિવારની બે દીકરીના લગ્ન આ માંડવામાં થયા હતા. મુંબઇ સહિતના શહેરોમાં ગણિકાઓના ઉત્કર્ષ માટે કાર્ય કરતી સંસ્થા રેસ્ક્યુ ફાઉન્ડેશન સંચાલિત બાલિકાશ્રમની  કન્યા ચાંદનીના લગ્ન મધુબહેન વિનોદરાય વોરાના પુત્ર અજય સાથે અને ચિ. રાધાના લગ્ન સ્વ.કોકિલાબહેન નટવરભાઇ ઠાકરના પુત્ર નવનીતના સાથે થયા હતા.

કન્યાદાન કરતી વખતે બાપુએ પોતે આ દીકરીઓના હાથ એમના પતિના હાથમાં આપતાં કહ્યું કે આમને સાંચવજો, સુખી રાખજો. તલગાજરડાની 20 કન્યાઓને આ માંડવે પરણાવીને વિદાય અપાઇ હતી પરંતુ આ બન્નેના લગ્ન વિશેષ હતા. રુપજિવીની કે ગણિકાની પુત્રી સાથે કોઇ લગ્ન કરવા તૈયાર થાય એ પરિવાર પણ અભિનંદનને પાત્ર છે અને તલગારડાએ,મોરારીબાપુએ આ વિધિ સંપન્ન કરાવી એ તો અગત્યનું છે જ. માનસ ગણિકા કથા વખતે જ બાપુએ કહ્યું હતું કે કથા કરીને હું જતો રહીશ એવું નહીં થાય. આ બહેનો-દીકરીઓ માટે કંઇક નક્કર કામ કરવું છે. જાન્યુઆરી 2019માં આ બહેનોને કે એમના માટે કાર્યરત સંસ્થાના પ્રતિનિધીઓને એકત્ર કરીને એકત્ર થયેલી રકમનું વિતરણ પણ કર્યું હતું. એ સમયે પણ કહ્યું હતું કે તલગાજરડાની આ દીકરીઓ છે અને એમને પરણાવવાની પણ જવાબદારી અમે લઇશું.આજે ખરેખર એ શબ્દ તલગાજરડામાં ચરિતાર્થ થયા. બાપુએ તો ત્યાં સુધી કહ્યું કે આવી સો દીકરીઓને પરણાવવાનું થાય તો ય અમે એ કાર્ય કરશું.

(જ્વલંત છાયા)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]