દંતકથાસમાન અભિનેતા દિલીપકુમાર (98)નું અવસાન

મુંબઈઃ હિન્દી ફિલ્મોના દંતકથાસમાન અભિનેતા દિલીપકુમારનું લાંબા સમયની બીમારીને કારણે આજે સવારે અવસાન થયું છે. એ 98 વર્ષના હતા. દક્ષિણ મુંબઈની પી.ડી. હિન્દુજા હોસ્પિટલમાં આજે સવારે એમણે આખરી શ્વાસ લીધો હતો. એમના પત્ની અને પીઢ અભિનેત્રી સાયરાબાનુ છેવટ સુધી એમની સાથે જ હતાં.

દિલીપકુમારના નિધનના સમાચારને એમની સારવાર કરનાર પલ્મોનોલોજિસ્ટ ડો. જલીલ પારકરે સમર્થન આપ્યું છે. દિલીપકુમારના પ્રવક્તા ફૈસલ ફારુકીએ આ દુઃખદ સમાચારને દિલીપકુમારના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યા છે.

દિલીપકુમાર હિન્દી સિનેમાના અગાઉના સમયના સુપરસ્ટાર હતા. એમની ફિલ્મી કારકિર્દી 50 વર્ષ લાંબી રહી. એમની પહેલી ફિલ્મ હતી ‘જ્વાર ભાટા’, જે 1944માં રિલીઝ થઈ હતી.

યુસુફ ખાનમાંથી દિલીપકુમારનું ફિલ્મી નામ ધારણ કરનાર મહાન અભિનેતાની અસંખ્ય ફિલ્મો સુપરહિટ થઈ હતી. એમાંથી પાંચ શ્રેષ્ઠ ફિલ્મ કઈ એ કહેવું પણ મુશ્કેલ છે. તે છતાં આ ફિલ્મોને તેમાંની ગણાવી શકાયઃ

દેવદાસ (1955): પ્રણયત્રિકોણવાળી આ ફિલ્મમાં દિલીપકુમારે ‘દેવદાસ’, સુચિત્રા સેને ‘પારો’ની ભૂમિકા અને વૈજયંતીમાલાએ ‘ચંદ્રમુખી’ની ભૂમિકા ભજવી હતી.

મુગલ-એ-આઝમઃ આ ફિલ્મમાં દિલીપકુમારે સમ્રાટના પુત્ર સલીમનો રોલ કર્યો હતો, જે સુંદર ગણિકા અનારકલી (મધુબાલા)નાં પ્રેમમાં પડે છે. દિલીપકુમારના પિતાનો રોલ પૃથ્વીરાજ કપૂરે કર્યો હતો.

ગંગા જમનાઃ 1960ના દાયકાની સુપરહિટ ફિલ્મોમાંની આ એક હતી. આ એકમાત્ર ફિલ્મ હતી જેને દિલીપકુમારે પોતે પ્રોડ્યુસ કરી હતી. એમાં એક એવા ભોળા માનવીની વાર્તા છે જેને ડાકુ બનવાની ફરજ પડે છે. એ રોલ ખુદ દિલીપકુમારે કર્યો હતો.

નયા દૌરઃ દિલીપકુમારના અભિનય માટે આ ફિલ્મ યાદગાર બની ગઈ. ફિલ્મના ગીતો પણ ખૂબ લોકપ્રિય થયા છે. વૈજયંતીમાલા અને અજિતની પણ એમાં મહત્ત્વની ભૂમિકાઓ હતી. ‘નયા દૌર’ અને ‘મુગલ-એ-આઝમ’, આ બંને ફિલ્મ બ્લેક-એન્ડ-વ્હાઈટ હતી, પણ બાદમાં એને રંગબેરંગી આવૃત્તિ સાથે ફરી રિલીઝ કરવામાં આવી હતી.

મધુમતીઃ આ ફિલ્મમાં પણ દિલીપકુમાર અને વૈજયંતીમાલાની જોડીએ અભિનયની કમાલ બતાવી હતી.

શક્તિઃ આ એકમાત્ર ફિલ્મ છે જેમાં બે પીઢ અભિનેતા – દિલીપકુમાર અને અમિતાભ બચ્ચને સાથે કામ કર્યું હતું. રમેશ સિપ્પીએ બનાવેલી આ ફિલ્મ ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક ગણાય છે.

મશાલઃ આ ફિલ્મમાં દિલીપકુમારે કાયદાનું પાલન કરનાર, પરંતુ બદલો લેવા માટે ગુનાખોરી તરફ વળેલા એક નાગરિકની ભૂમિકા કરી હતી જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. યશ ચોપરાએ ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું.

કર્માઃ સુભાષ ઘઈએ ‘વિધાતા’ ફિલ્મમાં દિલીપકુમારને ચમકાવ્યા બાદ 1982માં ‘કર્મા’ ફિલ્મમાં એમને ફરી સામેલ કર્યા હતા. દિલીપકુમારે એમાં એક જેલરની ભૂમિકા કરી હતી જે ત્રાસવાદી સામે બદલો લેવા પોતાને મદદરૂપ થવા મૃત્યુદંડની સજા પામેલા ત્રણ કેદીને રોકે છે.