અનોખો અને એકમાત્ર: સાયરાબાનુએ લીધેલો દિલીપ કુમારનો ઈન્ટરવ્યૂ

દંતકથા સમાન અભિનેતા દિલીપ કુમારનું 7 જુલાઈ, 2021ના રોજ નિધન થયું છે. એમના ઈન્ટરવ્યૂ તો અનેક પત્રકારોએ લીધા હતા, પણ એક ઈન્ટરવ્યૂ એમના અભિનેત્રી પત્ની સાયરાબાનુએ લીધો હતો જે આ પ્રકારનો આજ સુધીનો એકમાત્ર બની રહ્યો છે. સાયરાબાનુ 55 વર્ષના લગ્નજીવન દરમિયાન દિલીપકુમારના અંત સુધી સતત એમની પડખે જ રહ્યાં હતાં. મુંબઈની હોસ્પિટલમાં દિલીપકુમારે આખરી શ્વાસ લીધો ત્યારે પણ સાયરાબાનુ એમની પાસે જ હતાં.

‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના ફેબ્રુઆરી, ૧૯૭૧ના અંકમાં પ્રકાશિત થયેલો અનોખો ઈન્ટરવ્યૂ
અહીં ફરી પ્રસ્તુત કરીએ છીએ. રજુઆત: તારકનાથ ગાંધી…

દીવાળી અંકમાં છપાયેલો ‘દિલીપ-પત્રકાર’ ઈન્ટરવ્યુ જ્યારે સાયરાબાનુને મેં વાંચી સંભળાવ્યો ત્યારે એ ખુશ થઈ ગયાં હતાં અને ઉત્સાહમાં આવી જઈને બોલ્યાં ‘મી. ગાંધી, યુસુફમીંયાએ તમારો ઈન્ટરવ્યુ લીધો તેમ શું હું યુસુફમીંયાનો ઈન્ટરવ્યુ ન લઈ શકું?’ સાયરાનો આ આઈડીયા મને ગમ્યો અને મેં તેમને ઈન્ટરવ્યુ લખી આપવા જણાવ્યું. સાયરાને હું ‘જંગલી’થી ઓળખું છું ત્યારબાદ તો ‘આઈ મિલન કી બેલા’, ‘ઝુક ગયા આસમાન’, ‘સાજીશ’, ઈન્ટરનેશનલ કુક’, ‘સસ્તા ખુન મહેંગા પાની’ વગેરે ફિલ્મોના પ્રચારક તરીકે હું એની ખૂબ જ નજીકમાં આવ્યો અને મને તેને નજીકથી ઓળખવાનો લ્હાવો મળ્યો. સાયરા જેવી મળતાવડી અને હસમુખ તેમ જ હિંમતવાળી અભિનેત્રી તમને ભાગ્યે જ જોવા મળશે. જેઓ એની નજીકના છે એ આ બાબતથી અજાણ નથી.

જ્યારે ઈન્ટરવ્યુ લખી આપવાની વાત કરી ત્યારે તેણે મને કહ્યું, ‘મી. ગાંધી, લખવાની માથાકુટમાં હું પડતી નથી તે તમે સારી જાણો છો. અને યુસુફમીંયા મને ઈન્ટરવ્યુ લેવા દે એ વાતમાં પણ માલ નથી. પણ શાદીથી માંડીને અત્યાર સુધીમાં જે જે સવાલો અવારનવાર મેં તેમને પૂછ્યા છે અને તેમણે એના જે જે જવાબો આપ્યા છે તે જ તમને જણાવી દઉં તો એના ઉપરથી તમે ‘ઈન્ટરવ્યુ’ ન બનાવી શકો?’

સાયરાને ત્યારબાદ 4-5 વખત મળ્યો અને એનું પરિણામ છે આ ઈન્ટરવ્યુ.

સવાલ: ‘પાલકી’ ફિલ્મમાં જ્યારે શની સાહેબ મને તમારી સામે ચમકાવવા માગતા હતા ત્યારે તમે ના શા માટે પાડી હતી?

(‘પાલકી’માં સૌ પ્રથમ દિલીપની વરણી થઈ હતી ત્યારબાદ સંજોગોવશાત્ રાજેન્દ્રકુમારને લેવા પડેલા)

જવાબ: કારણ કે તું મને બચ્ચી જેવી લાગતી હતી. એ વખતે મને તારામાં કોઈ પ્રતિભા દેખાઈ ન હતી. પણ ત્યારબાદ જેમ જેમ તું આગળ વધતી ગઈ તેમ તેમ તું મારી વધુને વધુ નજીક આવતી ગઈ.

સવાલ: એનો અર્થ હું એમ ઘટાવું કે તમે મારામાં એટલે કે મારા કામમાં શરૂથી રસ લેતા હતા?

જવાબ: કોઈ પણ નવી અભિનેત્રી આવે છે ત્યારે લગભગ બધા જ કલાકારોની નજર તેમના પર હોય છે. ખાસ કરીને એના અભિનય પર, કારણ કે ભવિષ્યમાં જ્યારે પણ આ અભિનેત્રીની ઓફર તેમની સામે મુકાય છે ત્યારે તેઓ વિચારી શકે કે આ અભિનેત્રીમાં અભિનયની સુઝ છે કે નહીં?

સવાલ: મારામાં તમને અભિનયની સુઝનાં દર્શન ક્યારે થયાં?

જવાબ: જ્યારે નિર્માતા-દિગ્દર્શક કે. આસિફમીંયાએ તને એમની ‘સસ્તા ખુન, મહેંગા પાની’ ફિલ્મ માટે કરારબદ્ધ કરી ત્યારે, મને લાગ્યું કે હવે આ અભિનેત્રી સાથે કામ કરવાનો સમય પાકી ગયો છે. કારણ કે મારું એકલાનું નહીં પણ સમસ્ત ફિલ્મ જગતનું એમ માનવું છે કે કે. આસીફ જેવી કલાની સુઝબુઝ બીજા કોઈને નથી.

સવાલ: તમે આટલા વર્ષ સુધી કુંવારા શા માટે રહ્યા?

જવાબ: ફક્ત તારા ખાતર. મારા જીવનમાં અનેક સ્ત્રીઓએ પગપેસારો કરવાની કોશીષ કરી પણ હૃદયની બારી વાટે તું ક્યારે મારા મન પર છવાઈ ગઈ એ હજુ સુધી હું સમજી શક્યો નથી.

સવાલ: ભૂતકાળમાં તમારા વિષે અનેક અફવાઓ ફેલાતી રહેતી ત્યારે તમારા મનમાં શા ભાવ ઉદભવતા?

જવાબ: અમુક બાબતોમાં હું ભાવહીન છું. અમુક બાબતોમાં પથ્થર હૃદયી અને અમુક ભાવોમાં એકદમ બાળક જેવો. એવી બિન-પાયેદાર અફવાઓને હું ઝાઝું મહત્ત્વ નહોતો આપતો કારણ કે જે બાબત પાયા વગરની હોય તેને શાણા માણસો મહત્ત્વ આપતા નથી. તારું શું માનવું છે? શું હું શાણો નથી?

સવાલ: ખરેખર, તમે દુનિયાના મહાન શાણા માણસ છો!

જવાબ: થેન્ક્યુ મેડમ.

સવાલ: તમારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ અભિનેતા કયો?

જવાબ: તમારી દ્રષ્ટિમાં કોણ છે?

સવાલ: હું તમને પૂછી રહી છું ને તમે મને સામે સવાલ કરો છો?

જવાબ: મારે પ્રથમ જાણવું છે.

સવાલ: તો સાંભળો, મારા મનથી, તમારાથી કોઈ ચઢિયાતો અભિનેતા નથી.

જવાબ: મસ્કો મારે છે.

સવાલ: જી ના. હકીકત રજુ કરી રહી છું. હવે તમે જવાબ આપો.

જવાબ: મેડમ. તમારાથી વિરુદ્ધ જઈને શું મારે ઘરમાં લડાઈ કરવી છે? તમે કહો અને હું ન માનું એમ બને? તમે કહો એ 100 ટકા સાચું જ કહો.

સવાલ: તમે ખૂબ જ ચાલાક છો. વાતમાં લપેટીને તમે મારી પાસેથી જ સવાલનો જવાબ મેળવી લીધો.

સવાલ: વાર્તાની પસંદગીનું તમારું શું ધોરણ છે?

જવાબ: વાર્તા સાંભળ્યા પછી હું લેખકને અઠવાડિયા પછીનો સમય આપું છું. ત્યારબાદ હું ભૂલી જાઉં છું કે કોઈએ મને વાર્તા સંભળાવી છે. જો વાર્તામાં દમ હોય તો વાર્તાને ગમે એટલી ભૂલવાનો પ્રયત્ન કરો પણ ભૂલાતી નથી. અને જે વાર્તા ભૂલાતી નથી એની હું પસંદગી કરું છું. અલબત્ત વાર્તાની પટકથા અને સંવાદ ઉપર હું ખાસ ધ્યાન આપું છું. ઘણીવાર સંવાદો હું જાતે જ લખું છું.

સવાલ: લોકોનું કહેવું છે કે તમે દિગ્દર્શનમાં માથું મારો છો એ વાત ક્યાં સુધી સાચી છે?

જવાબ: હું દિગ્દર્શનમાં માથું ક્યારેય મારતો નથી. પણ જો દિગ્દર્શક કોઈ દ્રશ્ય માટે મારી સલાહ માગે તો એ આપવામાં જરા પણ કંજુસાઈ કરતો નથી. ફિલ્મ શ્રેષ્ઠ બને એ માટે જો પટાવાળો પણ કોઈ સુચન કરે તો ખોટું નથી.(ઘણીવાર) નાના માણસો પણ મોટી વાત કરી જાય છે. જ્યારે મોટા માણસ નાની વાત પણ વિચારી શકતા નથી. ‘સંઘર્ષ’ના શૂટિંગમાં મેં ક્યારેય માથું માર્યું નથી. જ્યારે ‘દીલ દીયા દર્દ લીયા’ વખતે કારદારમીંયા મને સેટ સોંપીને આરામ કરવા ચાલ્યા જતા. એટલે ના છુટકે મારે મારી રીતે ફિલ્મ પૂરી કરવી પડી.

સવાલ: લોકોનું કહેવું છે કે તમે ઈન્ડિયન સ્ક્રીનના ‘ટ્રેજેડી કિંગ’ છો એ ક્યાં સુધી સાચું છે?

જવાબ: પત્રકારો અને લોકોનું મંતવ્ય આ પ્રમાણે છે પણ હું એમ માનતો નથી. દા.ત. આઝાદ, કોહીનુર, લીડર, રામ ઔર શ્યામ અને ‘ગોપી’ ફિલ્મો ઉપરના વિધાનને ખોટું પાડે છે. આ ફિલ્મોની મારી ભુમિકા કૉમેડી ઉપર રચાયેલી છે. આથી શું હું કૉમેડી કિંગ કહેવાઉં? આવા મંતવ્યો અવારનવાર બદલાતા રહે છે. આવું જ બીજા કલાકારોની બાબતમાં બન્યું છે. એટલે એ વિધાન લોકો જ પાછા બદલવાના.

સવાલ: તમારી પ્રિય અભિનેત્રી કોણ?

જવાબ: મેડમ, તમે ઈન્ટરવ્યુ લેવાને લાયક નથી. કોઈ પણ અભિનેતા કે અભિનેત્રીને બે વસ્તુ ન પુછાય. એક તો તેમની ઉંમર અને બીજું તમે જે પુછ્યો એ સવાલ.

સવાલ: મને કાનમાં કહો?

જવાબ: લો… સાંભળો ત્યારે…?…?…?…?

સવાલ: જાવ તમે તો લુચ્ચા છો. બનાવો છો. મનમાં તો કોઈ બીજી હશે અને નામ… આપી દીધું.

જવાબ: ખેર! ત્યારે ના માનવું હોય તો તારી મરજી, નેકસ્ટ કવેસ્ચન, મેડમ.

સવાલ: તમારી જિંદગીમાં એઈમ શો છે?

જવાબ: દરેક માનવીના જીવનનો એઈમ હોય છે. મારો એઈમ ન જાણે તો સારું.

સવાલ: ના ના…ના… તમારે જણાવવો જ પડશે.

જવાબ: તો સાંભળ, મારી જિંદગીનો એઈમ છે. ઘરરખ્ખુ ગૃહિણી અને બે બાળકો. ટૂંકમાં ‘અમે બે, અમારા બે.’

સવાલ: જાવ…હું તમારી સાથે નહીં બોલું… તમે તો દરેક વાતને ઉડાવવાની કોશીષ કરો છો…

જવાબ: થેન્ક્યુ મેડમ… આ ન બોલવાનું…બાય ધ વે… ફોર ધ ટાઈમબીઈંગ…મને ગમ્યું…એટલીસ્ટ…હવે મારે કોઈ સવાલનો જવાબ તો નહીં આપવો પડે… થેન્ક્યુ વન્સ અગેઈન…

(તમામ તસવીરોઃ ‘ચિત્રલેખા’ લાઈબ્રેરી)